Dakshin Gujarat

ઉચ્છલના આમકુટી ગામે સસ્તા અનાજની દુકાન ચલાવનાર શખ્સને સજા

VYARA : આમકુટી ગામે નિશાળ ફળિયામાં ઘરે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન ચલાવતા પરશુભાઇ નંદરીયાભાઇ વસાવાએ વર્ષ-૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન આમકુટી, જામવણ અને કુંભરાડ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આદિજાતીની કન્યાઓને સરકાર તરફથી ફાળવવામાં આવતું મફત અનાજ કુલ્લે ૨૧૬.૬૦ ક્વિન્ટલનો જથ્થો કિં. રૂ. ૩,૦૩,૨૪૦ ઉચ્છલના સરકારી ગોડાઉનથી મેળવી આદિજાતીની કન્યાઓ કે તેમના વાલીઓને ફાળવવાને બદલે પોતાનાં અંગત લાભ માટે બારોબાર કોઇ વેચી નાંખ્યો હતો. જેથી સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઇ કરતા પરશુભાઇ નંદરીયાભાઇ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ હતી. જેમાં કોર્ટે સક્ષમ પુરાવાને આધારે દુકાનદારને દોષિત ઠરતો હુકમ કર્યો છે.


ગરીબ આદિવાસી બાળકોનું અનાજ બારોબાર વેચતાં આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા સાથે પોલીસે જે-તે સમય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. શાળાએ ભણતી બાળકીને વાર્ષિક ૬૦ કિલો ઘઉં આપવાની સરકારી યોજનામાં આશરે ચારેક વર્ષનું અનાજ મોટા ભાગની બાળકીઓને આપ્યું ન હતું. મામલતદાર ઉચ્છલને તા.૧૯/૮/૨૦૧૪ના રોજ આવેદન આપવામાં આવ્યું હતું. જેની તપાસ તા.૧૦/૯/૨૦૧૪ના રોજ મામલતદારે કરી હતી. તેમાં આવેદનના આક્ષેપોને સમર્થન મળતાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા પૂરતા પુરાવાને આધારે ઉચ્છલના જજ જયેશ લક્ષ્મણભાઇ પરમાર (જ્યુડિ. મેજિ.ફ.ક.)એ આ સસ્તા અનાજની દુકાન ચલાવનાર પરશુભાઈ વસાવા (ઉં.વ.૫૭)ને ગુનામાં દોષિત ઠરતો હુકમ કર્યો છે.


આ દુકાનદારને ત્રણ વર્ષ સુધી સાદી કેદની શિક્ષા તથા દંડ પેટે રૂ.૫૦૦૦ ભરવાનો હુકમ, જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક માસની સજા, ત્રણ વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા તથા દંડ પેટે રૂ.૨૫૦૦ ભરવાનો હુકમ અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો ૧૫ દિવસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૭ મુજબ ત્રણ વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા તેમજ દંડ પેટે રૂ.૨૫૦૦ ભરવાનો હુકમ અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ૧૫ દિવસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે તેવો હુકમ કરાયો છે.

Most Popular

To Top