ઓડિશા વિધાનસભામાં એક ખરડો ચર્ચા વગર જ પસાર કરી દેવાતા વિપક્ષ ભાજપના સભ્યો તોફાને ચડ્યા હતા અને ગૃહમાં ભારે ધમાલ સર્જાઇ હતી જેમાં વિધાનસભાના સ્પીકર પર સ્લીપરો, માઇક્રોફોનો અને કાગળોના ડૂંચાઓ મિસાઇલની જેમ ફેંકવામાં આવ્યા હતા, જેના પછી સ્પીકરે ભાજપના ત્રણ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
વિધાનસભા ગૃહમાં ઓડિશા લોકાયુક્ત(સુધારા) ખરડો કોઇ પણ જાતની ચર્ચા વગર થોડી જ મિનિટોમાં પસાર કરી દેવાતા ભાજપના સભ્યો ગૃહના સ્પીકર એસ.એન. પાત્રા સામે રોષે ભરાયા હતા. ગૃહમાંના અન્ય વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો પણ નારાજ હતા કારણ કે ખાણકામ પ્રવૃત્તિઓમાં કથિત ભ્રષ્ટાચાર અંગે ચર્ચા યોજવાની તેમની માગણી પણ મંજૂર રાખવામાં આવી ન હતી.
આજે ભોજન વિરામ પહેલાની બેઠકમાં આ ખરડો પસાર થતા જ ભાજપના સભ્યો ઉભા થઇ ગયા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. થોડી જ વારમાં તો સ્લીપરો, માઇક્રોફોનો, કાગળના ડૂંચાઓ વિપક્ષની પાટલીઓ પરથી ઉડવા માંડ્યા હતા અને સ્પીકરના પોડિયમની નજીક પડ્યા હતા.
જયારે ગૃહની બેઠક ફરી મળી ત્યારે સ્પીકર પાત્રાએ ભાજપના ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં ગૃહના ભાજપના નાયબ નેતા બી.સી. શેઠી, પક્ષના દંડક મોહન માઝી અને ધારાસભ્ય જે.એન. મિશ્રાનો સમાવેશ થતો હતો. તેમને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમને તત્કાળ ગૃહ છોડી જવા જણાવાયું હતું.
સ્પીકર પાત્રા, સંસદીય બાબતોના મંત્રી બી.કે. અરુખા, સરકારના મુખ્ય દંડક પ્રમિલા મલિક, વિપક્ષના નેતા પી.કે. નાઇક અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા નરસિમ્હા મિશ્રાએ બનાવનો વીડિયો જોયો તેના પછી આ પગલું ભરવામાં આવ્યું હતું.