ભાવનગરના યાત્રાધામ બગદાણામાં છેલ્લાં કેટલાં સમયથી ચાલી રહેલાં વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. નવનીતભાઈને ન્યાય આપોના નારા સાથે કોળી સમાજના ચાર યુવકોએ બગદાણા ધામની બહાર જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ નાંખી આગ ચાંપવાનો પ્રયાસ યુવકોએ કરતા પોલીસ દોડતી થઈ હતી. ચારેય યુવકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લાંબા સમયથી ન્યાયની માંગણી કરી રહેલાં કોળી સમાજમાં ભારે રોષ વ્યાપેલો છે. આજે તા. 15 જાન્યુઆરીએ કોળી સમાજના ચાર યુવાનો બગદાણા યાત્રા ધામની બહાર ભેગા થયા હતા. ન્યાયની માંગના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે બાદ પોતાની સાથે લાવેલું જ્વલનશીલ પદાર્થ શરીરે છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવકો શરીરે દીવાસળી ચાંપે તે પહેલાં પોલીસે ચારેયને દબોચી લીધા હતા. પોલીસે ચારેય યુવકોને અટકાયતમાં લીધા છે.
શું છે વિવાદ?
બગદાણાના નવનીત બાલધિયા નામા કોળી યુવક પર ગઈ તા. 29 ડિસમ્બર 2025ના રોજ આઠ શખ્સે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલું છું.
તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માંગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, તેને ફોન કરી મળવા બોલાવ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.