ઘટનાના કલાકો વીતી જવા છતાં શિક્ષકોનો પત્તો નહીં, હાલોલ ફાયર દ્વારા શોધખોળ ચાલુ
વાઘોડિયા:
વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષક મિત્રો પૈકીના બે શિક્ષકો ખંડીવાડા નર્મદા કેનાલમાં ડૂબી જતા ઘટનાને કલાકો વીતી જવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલોલ ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.


મળતી માહિતી મુજબ વડોદરાના ચાર શિક્ષક મિત્રો પાવાગઢ ફરવા ગયા હતા. પાવાગઢથી પરત ફરતી વખતે વડોદરા–હાલોલ રોડ પર જરોદ નજીક આવેલી ખંડીવાડા નર્મદા કેનાલ પાસે તેઓએ કાર રોકી હતી. ચાર પૈકી ત્રણ મિત્રો કેનાલની પાળ પર બેઠા હતા, ત્યારે રાહુલ યાદવ નામના શિક્ષક પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યા હતા. આ દરમિયાન તેમનો પગ લપસતા તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
રાહુલ યાદવ બુમાબૂમ કરતા તેમના મિત્ર શુભમ પાઠક તેમને બચાવવા કેનાલમાં કૂદી પડ્યા હતા. તરતા આવડતું હોવા છતાં કેનાલના તેજ વહેણ સામે બંને હારી ગયા અને પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ અન્ય શિક્ષક મિત્રો દ્વારા હાલોલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ મળતા હાલોલ નગરપાલિકા ફાયર વિભાગ અને જરોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગત રોજ સાંજ પડી જતા અંધારાના કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવ્યું હતું, જ્યારે આજે સવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી બંને શિક્ષકોના કોઈ સંકેત મળ્યા નથી.
આ સમગ્ર ઘટનાની જાણ શિક્ષક મિત્રો વિધુત પ્રસાદસિંહ અને અશિત જન્મેજયભાઈ ઓઝા દ્વારા જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાવી છે, જ્યારે ફાયર વિભાગની ટીમ સતત પ્રયાસ કરી રહી છે.