SURAT

લસકાણામાં તબેલાનું શુદ્ધ ઘી કહી નકલી ઘી પધરાવનારો ઝડપાયો

શહેરના છેડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ચાલતું નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે. પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘીનો જથ્થો કબ્જે લીધો છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 856 કિલો વેજિટેબલ સોયાબીન ઓઈલ જપ્ત કર્યું હતું. એક આરોપીની અટકાયત કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે લસકાણા પોલીસે લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલા પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં રેઈડ કરી હતી. અહીં ભેળસેળયુક્ત ઘી બનાવાતું હતું. પોલીસે આજે તા. 5 જાન્યુઆરીની સવારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે રાખી રેઈડ કરી હતી.

પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે અલ્પેશ ઈશ્વર સાંથલીયા (ઉં.વ. 30, રહે. સાંઈનાથ સોસાયટી, કામરેજ ચાર રસ્તા) અત્યંત જોખમી રીતે નકલી ઘીનું ઉત્પાદન કરતો હતો. તે વધુ નફો કમાવાની લાલચમાં વેજિટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિક્સ કરતો હતો. ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું તે પણ નકલી ઘી સાથે મિક્સ કરતો હતો. આ રીતે તે ગ્રાહકોને છેતરતો હતો.

પોલીસે દરોડા દરમિયાન ભેળસેળયુક્ત ઘી 319.54 કિલો (કિં. 79,885), વેજિટેબલ-સોયાબીન ઓઈલ 856 કિલો (કિં. 1,25,600), એસેન્સ તથા અન્ય સામગ્રી કિં. રૂ. 6380નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલ રૂ. 2,11,865 પોલીસે જપ્ત કર્યો છે.

આરોપી અલ્પેશે પૂછપરછમાં કબૂલાત કરી કે પોતે નકલી ઘીને તબેલાનું શુદ્ધ ઘી કહીને વેચતો હતો. સામાન્ય રીતે બજારમાં 1200 રૂપિયામાં વેચાતું ઘી તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર 300 રૂપિયા કિલોના ભાવે વેચતો હતો. દૂધ લેવા આવતા ગ્રાહકોને 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે શુદ્ધ ઘી કહી ઝેર પધરાવતો હતો.

આ ઘી કઈ કઈ દુકાનોમાં સપ્લાય થતું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top