SURAT

CMના કાર્યક્રમ પહેલાં AAPના પોસ્ટર વિરોધને પગલે શાસકો મુશ્કેલીમાં મુકાયા

આજે શનિવારે સાંજે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આ. પાટીલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના આછે. આ કાર્યક્રમ પહેલાં વિપક્ષ આપ દ્વારા વિરોધ કાર્યક્રમ કરાતા રાજકારણ ગરમાયું છે.


મુખ્યમંત્રી સુરત પધારે તે પહેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે સવારે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શહેરમાં લાગેલા સન્માન સમારોહના પોસ્ટરો પર પોતાના વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધા હતા, તેના પગલે વિવાદ વકર્યો હતો.

આપ દ્વારા આક્ષેપ કરાયો છે કે, ભાજપના મંત્રીઓ પાટીદાર સમાજના નામે રાજકીય રોટલા શેકે છે. સરકાર મોટી અને ચૂનો લગાવતી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ માફ કરી શકે છે તો પછી દાન અને સહકારથી ચાલતી પાટીદાર સમાજની હોસ્ટેલ પાસેથી 3 કરોડની રકમ પેઈડ એફએસઆઈ પેટે કેમ વસૂલવામાં આવી રહી છે? આ બેનરોએ શાસક પક્ષ માટે આજે યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં મુશ્કેલી વધારી દીધી છે.

વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આ મુદ્દે સુરતના મેયર દક્ષેશ માવાણીને પણ ઘેર્યા છે. વિપક્ષ નેતાએ જણાવ્યું કે, સરકાર દ્વારા અગાઉ આ રકમ માફ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અંતે તે અરજી નામંજૂર કરી દેવામાં આવતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આજે યોજાનાર સન્માન સમારોહના થોડા જ કલાકો પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને જાહેર રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. વિપક્ષે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક અસરથી આવી સેવાકીય સંસ્થાઓ માટે પેઇડ FSI માંથી મુક્તિની નીતિ બનાવે. એક તરફ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓનું સન્માન થવા જઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ ‘આપ’ દ્વારા ઉઠાવવામાં આવેલો આ ટેક્સનો મુદ્દો સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top