વર્ષના અંતે વાહન વ્યવહાર વિભાગની મોટી કાર્યવાહી
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૩૧
વર્ષના અંતિમ દિવસે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યભરમાં આરટીઓ અધિકારીઓની બઢતી સાથે બદલીના મહત્વપૂર્ણ હુકમો જાહેર કરવામાં આવ્યા છે. બઢતી અને બદલીના મુદ્દે લાંબા સમયથી અસંતોષ વ્યક્ત કરતી મોટર વ્હીકલ ટેક્નિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા આંદોલન ફરી શરૂ કરવાની ચીમકી બાદ વિભાગે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
મોટર વાહન ખાતામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તથા સહાયક વાહન વ્યવહાર નિયામક (વર્ગ-૨) તરીકે ફરજ બજાવતા અધિકારીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી/નાયબ વાહન વ્યવહાર નિયામક (વર્ગ-૧) તરીકે બઢતી આપી નિમણૂક કરવામાં આવી છે. રાજ્યની કુલ ૧૭ આરટીઓ કચેરીઓમાં અધિકારીઓની બદલી સાથે બઢતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ હુકમ અનુસાર વડોદરા એઆરટીઓ તરીકે ફરજ બજાવતા જીગર પટેલની બદલી હિંમતનગર આરટીઓ ખાતે કરવામાં આવી છે. જ્યારે રાજકોટ આરટીઓમાં ફરજ બજાવતા કેતનકુમાર ખપેડને વડોદરા આરટીઓ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બોટાદના દીપસંગ ચાવડાની બદલી આણંદ આરટીઓ ખાતે અને વ્યારા ખાતે ફરજ બજાવતા શૈશવ ગામિતની બદલી દાહોદ આરટીઓ ખાતે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ડિસેમ્બર માસની શરૂઆતમાં પોતાના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો અને ઇન્સ્પેક્ટરોને બઢતી ન મળતા એસોસિએશન દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. તેના પરિણામે વર્ષના અંતે આ બઢતી અને બદલીના હુકમો બહાર પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ નિર્ણયથી રાજ્યભરના વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને વિભાગીય કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.