છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી અંગે તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી હતી, તે તમામ ચર્ચા અને અટકળોનો આખરે અંત આવ્યો છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વિધિવત રીતે અમદાવાદના ધારાસભ્ય જગદીશ પંચાલ ઉર્ફે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કરાઈ છે.
આજે 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ સાથે જ જગદીશ પંચાલે કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. પંચાલ ગુજરાત ભાજપના 14માં પ્રદેશ પ્રમુખ બન્યા છે.
આ અગાઉ તા. 2 ઓક્ટોબરના રોજ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી જાહેર કરાઈ હતી. ત્યાર બાદ જગદીશ પંચાલે ગઈકાલે તા. 3 ઓક્ટોબરના રોજ બપોરે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું. પંચાલ સિવાય અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નહોતું. આમ સર્વાનુમત્તે બિનહરીફ જગદીશ પંચાલની પસંદગી પ્રદેશ પ્રમુખ તરીકે થઈ હતી.
આજે જગદીશ પંચાલના નામની વિધિવત જાહેરાત કરાઈ હતી. આજના પદગ્રહણ સમારોહમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતા-કાર્યકરો હાજર રહ્યાં હતાં.
દરમિયાન જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કર બાપાનગર ખાતે આવેલી વિક્રમપાર્ક સોસાયટી ખાતેના પોતાના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગરના કમલમ ખાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા ટેકનોસેવી છે. જ્યારે તેઓ અમદાવાદ શહેર પ્રમુખ હતા ત્યારે AMCમાં સૌથી સારું પરિણામ આવ્યું હતું. સરકાર અને સંગઠનનો તેમને ખબૂ સારો અનુભવ છે. સારી કામગીરી કરી છે.જગદીશ પંચાલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
CR પાટીલે શું કહ્યું?
હું જવાબદારીમાંથી મુક્ત થયો છું. મારી એક જવાબદારી પૂરી થઈ છે અને હવે હું સંગઠન, પક્ષ દ્વારા સોંપવામાં આવેલી નવી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપી શકીશ. પંચાલને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવું છું.