વડોદરા : રાવપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે અગાઉ થયેલા ઝઘડાની અદાવતે એક જ સમાજના બે જૂથના લોકો ફરી બાખડયા હતા અને પટ્ટા તેમજ ચાકુથી એકબીજા પર હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાતા લોકો ભેગા થઈ ગયા હતા. લોહીલુહાણ થઈ ગયેલા બંને જૂથના લોકોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હુમલાખોર પૈકીનો એક આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. તેની સામે અગાઉ હત્યા ના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો.
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ઇમરાન પઠાણ પાણીપુરી ખાઈ રહ્યો હતો. તે દરમિયાન મોહસીન અને અરશદ બાપુ ત્યાં આવી પહોંચ્યા હતા.ત્યારે બંને જુથના લોકો અગાઉ થયેલા ઝઘડાની અદાવતે ફરી બાખડયા હતા અને જાહેરમાં મારા મારી કરી રહ્યા હતા. ત્યારબાદ એકબીજા પટ્ટીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ અરશદ બાપુએ ખિસ્સામાંથી ચાકુ કાઢીને ઇમરાન પઠાણ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈમરાન પઠાણે પણ અરશદના હાથમાંથી ચાકુ છીનવી લઈને મોહસીન પર હુમલો કર્યો હતો. જાહેરમાં થયેલી હિંસક મારામારીના કારણે સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
એકબીજા પર ચાકુથી હુમલો કર્યોં હોય ઇજાગ્રસ્તો ને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાવપુરા પોલીસે બંને પક્ષના લોકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હુમલા પર પૈકીના અરશદ બાપુ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને તેની સામે અગાઉ હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયો હતો.