રાજકોટ: જામનગર રોડ ઉપર પરાપીપળિયા નજીક બનનાર એઈમ્સમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પ્રજાને સામાન્ય બિમારીની સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરુ કરવામાં આવશે અને ઓપીડી બિલ્ડિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
રાજકોટ – સૌરાષ્ટ્ર સહિત રાજ્યની પ્રજાને ગંભીરથી લઈ અસાધ્ય રોગોની ઓછા ખર્ચે સારવાર મળી રહે તે માટે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ પરાપીપળિયા ગામ નજીક અત્યંત આધુનિક એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુર્હૂત મુખ્યમંત્રીની હાજરીમાં વડાપ્રધાન દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્રની પ્રજાને ભેટ આપી છે.
કલેકટર તંત્રના જણાવ્યા અનુસાર રાજકોટ એઈમ્સના ડિરેકટર સંદિપસિંહ ટૂંક સમયમાં રાજકોટ નિરિક્ષણ કરશે. એઈમ્સ હોસ્પિટલ મુખ્ય પાંચ બિલ્ડિંગમાં બનાવવામાં આવશે અને તેના પ્લાન પણ સરકારમાં મુકવામાં આવ્યા છે તેમજ લોકોને 2022 સુધીમાં સારવાર મળી રહે તે માટે વિવિધ વિભાગના અધિકારીઓ કામગીરી પૂર્ણ કરવા તાકિદ કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે 2022માં મુખ્ય બિલ્ડીંગના બાંધકામ પૂર્ણ થઈ સારવાર શરુ કરવામાં આવશે તે અગાઉ લોકોને સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરુ કરી દેવામાં આવશે અને તેના માટે નિષ્ણાંચ ડોકટરોની પણ નિમણૂંક કરવામાં આવશે અને સામાન્ય બિમારીની સારવાર દર્દીઓને આપવામાં આવશે.