વડોદરા તારીખ 17
મચ્છીપીઠ વિસ્તારમાં સબ એ બારતની રાત્રે અગાઉના ઝઘડાની અદાવતે રેડિયમ ગેંગના 10થી 11 યુવકો દ્વારા બે યુવકો પર પાઇપ અને બેટ વડે હુમલો કરાયો હતો. દરમિયાન છોડાવવા પડેલા એક મહિલા સહિત અન્ય ત્રણ લોકો પર પણ હુમલો કરીને માથાભારે તત્વોએ ધીંગાણું મચાવી હતું. ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારેલીબાગ પોલીસે 10 થી 11 યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી માથાભારે શહેજાદ ઉર્ફે પીપોડીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી અન્યની શોધખોળ હાથ ધરી છે.
શહેરના મચ્છીપીઠની એમ.કે શાવરમા હોટેલમાં નોકરી કરતા યમીન નુરુદ્દીન ધોબી ( રહે.વાડી વિસ્તારના જહાંગીરપુરા મહોલ્લો) ના મિત્રને શબ-એ-બારત વખતે આદિલ શેખ, રેહાન તેજા સહિત યુવકો મળવા માટે આવ્યા હતા. તે દરમિયાન શાલીમાર હોટલ નજીક રેડિયમ ગેંગના સાહિલ ઉર્ફે જેશી, ફારૂક ઉર્ફે બોટી, ઐયુબ પઠાણ, આસિફ ઉર્ફે તીતલી, શહેજાદ ઉર્ફે પીપોડી, શાહિદ સહીત અન્ય ચાર જેટલા યુવકો આદિલ અને રેહાન સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ઝઘડો કરવા લાગ્યા હતા અને બાદમાં બેટ તથા પાઇપ લઈને આડેધડ ફટકા માર્યા હતા. એક યુવક જીવ બચાવવા માટે એમ.કે શાવરમા હોટલમાં દોડી આવતા તેની પાછળ ટોળું પણ મારવા માટે દોડી આવ્યું હતું. ત્યારે યમીનના માસી નસીમાબાનું શેખ તેઓને છોડાવવા વચ્ચે પડતા ફારૂક ઉર્ફે બુટી તેમને માર માર્યો હતો. જેથી યામીન અને તેના મામા સહિત હોટલના એક કર્મચારી છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે ટોળાએ તેમના પર પણ પાઇપ તથા બેટ વડે હુમલો કર્યો હતો અને ટોળાએ હોટલની નજીક પણ ધીંગાણું મચાવી મૂક્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક કારેલીબાગ પોલીસ સહિત અલગ અલગ ટીમો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. કારેલીબાગ પોલીસે આસિફ ઉર્ફે તીતલી સલીમ શેખ, શહેજાદ ઉર્ફે પીપોડી અનવરઅહેમદ શેખ, સાહિલ ઉર્ફે જેશી સાજીદ ઉર્ફે દાઢી શેખ, ફારૂક ઉર્ફે બોટી રફીક શેખ, મહમદ જાફર સિયા, ઐયુબ ઇમરાન પઠાણ, સાહિદ સહિત 10 થી 11 યુવકો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચે શહેજાદ ઉર્ફે પીપોડીને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.