surat : વરાછામાં ( varacha) આવેલી સરકારી સ્કૂલની દિવાલને અડીને જ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને દારૂડીયાઓ દારૂ પીવા માટે પણ આવી રહ્યા છે પરંતુ આ બધી બાબતે જાણે કે પોલીસ ( police) અજાણ હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. દારૂના અડ્ડાની ફોટા સોશીયલ મીડિયા ( social media) માં વાઇરલ થયા હતા. આ બાબતે વરાછા પોલીસ અજાણ હોવાનુ બહાનું કરીને છટકી રહી છે પરંતુ પોલીસ એટલી નિમ્નકક્ષાએ પહોંચી ગઇ છે કે એ છે કે, શાળાની દિવાલને અડીને પણ દારૂના અડ્ડાને છૂટ આપવામાં આવતી નથી. શાળા પ્રીમાઇસીસની દિવાલ પાસે સરેઆમ દારૂના અડો ચાલી રહ્યો છે અને વરાછા પીઆઇ અને ડીસ્ટાફ બિન્દાસ્ત છે કે પછી હપ્તાખોરીને કારણે કોઇ કાર્યવાહી થતી નથી તે મામલે તો પોલીસ કમિશનર (police commisinor) તપાસ કરે ત્યારેજ ખબર પડી શકે છે. કોરોના સંક્રમણમાં એક સાથે સો થી બસો લોકો ભેગા થાય છે.
એક તરફ સરકાર દારૂ ઉપર પ્રતિબંધ મુકી રહી છે પરંતુ બીજી તરફ દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. આવા અડ્ડાઓ બાબતે પોલીસને જાણ હોવા છતાં પણ પોલીસ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે અને બુટલેગરોને છૂટોદોર આપી રહી હોય તેમ લાગી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ જ્યાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર થવાનું હોય તેવી જગ્યાને અડીને જ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય તે બાબત ખુબ જ ગંભીર છે. વરાછામાં બોમ્બે કોલોની પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા, લાલા લજપતરાય અને શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પ્રાથમિક શાળાની દિવાલની પાછળના ભાગમાં ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.
કોરોનાના સંક્રમણ વચ્ચે દારૂડીયાઓ દારૂ પીવા માટે મોટી સંખ્યામાં ભેગા થાય છે. બુટલેગરને પોલીસના ચાર હાથ હોય તેવી રીતે દારૂડીયાને અડ્ડા પાસે જ દારૂ પીવાની છુટ આપી રહ્યો છે. દારૂડીયાઓ ખુલ્લેઆમ દારૂની પોટલી મારી રહ્યા હોવાના ફોટા સોશીયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ બાબતે જ્યારે પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેઓએ માત્ર રેડ કરાવીએ છીએ કહીને દારૂના અડ્ડાની ગંભીર બાબત ઉપર ઠંડુ પાણી ફેરવી દીધુ હતુ. જો કે, આ બાબતે આગામી દિવસોમાં પોલીસ કમિશનર દ્વારા પીઆઇ તેમજ તેના ઉપરી અધિકારીઓ સામે કડક એકશન લેવાય તેવી પણ શક્યતા છે.
અમે તપાસ કરાવીએ છીએ અને રેડ કરાવીશું : એસીપી
આ બાબતે વરાછા પોલીસ મથકના પીઆઇ આર્ય તેમજ એસીબી સી.કે. પટેલનો સંપર્ક કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, આ બાબતે અમે રેડ પડાવીએ છીએ અને કડક પગલા ભરીશુ. તેઓએ કહ્યુકે જવાબદારો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.