બાંગ્લાદેશની એક કોર્ટે હિંદુ સંગઠન ‘સમ્મિલિત સનાતની જોત’ના નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીન અરજી ફગાવી દીધી છે અને તેમને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. દેશદ્રોહ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપમાં બાંગ્લાદેશ પોલીસે ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી હતી. તેના વિરોધમાં હિંદુ સમુદાયના લોકો ઢાકાની સડકો પર ઉતરી આવ્યા છે અને રોડ બ્લોક કર્યો છે. ઘણી જગ્યાએથી હિંસાના અહેવાલો પણ મળ્યા છે.
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી રહી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિન્દુ સમુદાયના 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઢાકાના શાહબાગમાં શાંતિપૂર્ણ મેળાવડા દરમિયાન હિન્દુ સમુદાયના લોકો અને ચટગાંવ યુનિવર્સિટીના પ્રોફેસર કુશલ બરન પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘણા લોકોને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.
ભારત સરકારની મદદ માંગી
ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ઇસ્કોને X પર પોસ્ટ કરી હતી. જેમાં કહ્યું હતું કે અમને ચિંતાજનક સમાચાર મળ્યા છે કે ઇસ્કોન બાંગ્લાદેશના અગ્રણી નેતા ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા પોલીસે ધરપકડ કરી છે. ઇસ્કોન ભારત સરકારને તાત્કાલિક પગલાં લેવા અને બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરવા અપીલ કરે છે. અમે શાંતિપૂર્ણ ભક્તિ આંદોલન છીએ. અમે ઈચ્છીએ છીએ કે બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ દાસને જલ્દી મુક્ત કરે. અમે આ ભક્તોની સુરક્ષા માટે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ.
હવે ભારતે આ અંગે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમે બાંગ્લાદેશ ‘સમ્મિલિત સનાતની જોત’ના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જામીન નકારવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. આ ઘટના બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વો દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પરના અનેક હુમલાઓ બાદ થઈ છે. અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે હિંદુઓ અને તમામ લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરે, જેમાં તેમના શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો સમાવેશ થાય છે.