નવી દિલ્હી (New Delhi): કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો (Farmers’ Protest) આજે 66 મો દિવસ છે. પરંતુ, છેલ્લા 4 દિવસમાં 2 વખત હિંસા થયા બાદ કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરી સુધી સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદના આંદોલન નજીકના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ સાથે જ લાલ કિલ્લા પર 26 જાન્યુઆરીએ થયેલી હિંસક પ્રવૃત્તિઓમાં શામેલ લોકોને શોધવા દિલ્હી પોલીસની એક ટીમ પંજાબના જલંધર પહોંચી ગઇ છે.
આ કાર્યવાહી અંગે જલંધર પોલીસે જણાવ્યું હતું કે લાલ કિલ્લાની ઘટનામાં સામેલ તરણ તરણના બે યુવકો અહીં છુપાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેથી દિલ્હી પોલીસે અહીંના વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, પરંતુ આરોપીઓ મળ્યા નથી. 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર રેલીમાં ઉપદ્રવીઓના કારણે 400 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા હતા. વિરોધમાં દિલ્હી પોલીસ ફેડરેશનના લોકો અને ઘાયલ જવાનોના પરિવારજનો શહીદી પાર્કમાં વિરોધ કરી રહ્યા છે. હિંસામાં ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ અશોક કુમારે કહ્યું, હું લાલ કિલ્લાના દરવાજા પર તૈનાત હતો. અમે ભીડને બહાર કાઢી રહ્યા હતા, જ્યારે અચાનક કેટલાક લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. તેમના હાથમાં લાકડીઓ અને તલવારો હતી. મારા માથા અને પગમાં ઈજાઓ થઈ છે.’.
ઘાયલ જવાનોના પરિવારજનો તેમજ દિલ્હી પોલીસના હાલના અને નિવૃત્ત કર્મચારીઓ પણ આ વિરોધમાં સામેલ છે. શુક્રવારે મુઝફ્ફરનગરમાં યોજાયેલી મહાપંચાયતમાં આ અપીલ કરવામાં આવી હોવાથી યુપી અને હરિયાણાના ખેડુતો સતત ગાજીપુર પહોંચી રહ્યા છે. બીજી તરફ ખેડૂત આગેવાનો આજે એક દિવસ ઉપવાસ કરીને સદભાવના દિનની ઉજવણી કરી રહ્યા છે. આના માધ્યમથી તેઓ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અંગે પસ્તાવો કરવા માગે છે. રાજકીય પક્ષો હવે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતને ખુલ્લેઆમ ટેકો આપી રહ્યા છે.
શનિવારે યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ, દિલ્હી કોંગ્રેસના નેતા અલ્કા લાંબા અને હરિયાણાના કોંગ્રેસના સાંસદ દિપેન્દ્રસિંહ હૂડા ગાજીપુર પહોંચ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય લોક દળના મહામંત્રી અભય ચૌટાલા પણ આજે ટિકૈતને મળશે. શુક્રવારે રાષ્ટ્રીય લોક દળ (RLD) ના નેતા જયંત ચૌધરી અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ગાઝીપુર પહોંચ્યા હતા. સપાના વડા અખિલેશ યાદવે પણ ટિકૈતને કહ્યું હતું કે તેમની પાર્ટી ખેડૂતોની સાથે છે.
સિંઘુ બોર્ડર પર શુક્રવારે સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આમાં 5 પોલીસ જવાન ઘાયલ થયા છે. એસ.એચ.ઓ. ઉપર તલવાર વડે હુમલો કરાયો હતો. આ કેસમાં હજુ સુધી 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સિંઘુ અને ટીક્રી બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર પર હિંસા બાદ વાતાવરણ બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે શુક્રવારે સાંજે 17 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાણીપત, હિસાર, જીંદ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, રેવારી અને સિરસા શામેલ છે. આ જિલ્લાઓમાં વોઇસ કોલ સિવાય ઇન્ટરનેટ સેવાઓ સાંજના પાંચ વાગ્યા સુધી બંધ રહેશે. સોનીપત, પલવાલ અને ઝજ્જરમાં પહેલાથી જ ઇન્ટરનેટ સેવાઓ બંધ છે.