દેશમાં હાલ ચૂંટણીની (Election) મોસમ ચાલી રહી છે. બે તબક્કાનું મતદાન (Voting) પૂર્ણ થયા બાદ હવે ત્રીજા તબક્કાના ચૂંટણી જંગ માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાંથી એક પર કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રે ભાજપમાં જોડાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં બીના સીટથી કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રેએ બે વખતના ભાજપના ધારાસભ્ય મહેશ રાયને 6000થી વધુ મતોથી હરાવ્યા હતા.
મુખ્યમંત્રી ડો. મોહન યાદવની હાજરીમાં સાગર જિલ્લાના રાહતગઢ ખાતેની બેઠકમાં બીના વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નિર્મલા સપ્રે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રે બુંદેલખંડમાં અનુસૂચિત જાતિ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભા ચૂંટણીના માત્ર ત્રણ દિવસ પહેલા તેમનું ભાજપમાં જોડાવું એ કોંગ્રેસ માટે મોટો ફટકો છે.
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી ડો. મોહન યાદવે સાગર લોકસભાની સુરખી વિધાનસભાના રહતગઢમાં ઉમેદવાર લતા વાનખેડેના સમર્થનમાં ચૂંટણી સભા કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રેએ કમળ ધારણ કર્યું હતું.
સીએમ મોહન યાદવે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
સીએમ ડો. મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભરીને રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિના અધિકારો છીનવી લેવા જેવું કામ કર્યું છે. આકરા પ્રહારો કરતા સીએમએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી હારના ડરથી અમેઠીથી વાયનાડ ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે કેરણમાં આગળ સમુદ્ર છે નહીં તો મને નથી ખબર કે રાહુલ ગાંધી ક્યાં ગયા હોત.