રાષ્ટ્રીયતાને અગ્રતા આપનાર પ્રામાણિક અને સદાચારી તેમજ સેવાભાવી ઉમેદવારોને ચૂંટી મોકલવા જરૂરી છે. દેશને-રાજયને –પ્રજાને જેઓ સાચો યોગ્ય માર્ગ ચીંધી શકે, જેમના દિલમાં ગરીબો બેરોજગારો પ્રત્યે સાચી હમદર્દી હોય, તેમનું હિત હૈયે વસેલું હોય, ખોટા કે ઉડાઉ ખર્ચા કરતા ન હોય, કરચોરી કરતા ન હોય, પક્ષપલટુ ન હોય અને સાદગી અપનાવી દેશની અને પોતાના મત વિસ્તારની સેવા કરવાની તમન્ના ધરાવતા હોય, રાષ્ટ્રની સેવાના બદલામાં વેતન-ભથ્થાં અને પેન્શનની અપેક્ષા રાખતાં ન હોય તેમ જ કોઇની પણ શેહ-શરમમાં આવ્યા વગર તટસ્થ નિર્ણય લઇ શકે, દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થઇ શકે તેવા ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતાં ઉમેદવારોને ચૂંટી મોકલવાં જરૂરી છે. કોમ-જ્ઞાતિ કે સામાજિક વર્ગને લક્ષમાં રાખ્યા વગર જે પક્ષ અથવા ઉમેદવાર કોઇ પણ જાતના ભેદભાવ વગર બહુજન સમાજના ઉત્કર્ષ અર્થે, કામ કરવાની તત્પરતા દાખવે તેવા પક્ષ કે ઉમેદવારોને ચૂંટી મોકલવા જરૂરી છે. તો જ દેશ સાચા અર્થમાં વિકાસ સાધી શકે તેમ છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચીજવસ્તુની જાહેરાતની ભ્રામકતા
હાલમાં પતંજલિ સ્થાપક રામદેવબાબા અને બાલકૃષ્ણ પર તેમની ચીજવસ્તુની ભ્રામકતા પર સુપ્રિમ કોર્ટમાં કેસ થયો અને સાધુ સ્વભાવના રામદેવ બાબા અને બાલકૃષ્ણજીએ સુપ્રિમની માફી પણ માંગી લીધી પણ તે માફીનો સુપ્રિમે અસ્વીકાર કર્યો અને કોર્ટે કહ્યું કે અમે દયાળુ બનવા માંગતા નથી. મિત્રો, બતાવો કે કઈ ચીજવસ્તુની જાહેરાતમાં ભ્રામકતા નથી? માથાના વાળથી માંડીને પગના અંગૂઠા સુધીના ઉપયોગમાં આવતી દરેક ચીજવસ્તુમાં ભ્રામકતા છે જ તે કયો જાગૃત ગ્રાહક જાણતો નથી?ભ્રામકતા વગર ચીજવસ્તુ પણ વેચાતી નથી અને બે-પાંચ રૂપિયાની ચીજવસ્તુની જાહેરાત માટે મહાન ફિલ્મ-સ્ટાર અને ક્રિકેટરોનો ઉપયોગ થાય છે ત્યારે એક જ ચીજવસ્તુની 100 થી વધુની ચેનલો પર વારંવારની જાહેરાતો દૈનિક સમાચાર પત્રોમાં નાની કે મોટી જાહેરાતો કે સો.મી.ની કોઈ પણ સાઈડ પર જઈએ તો પહેલાં તો જાહેરાત જ મોં ફાડીને ઊભી હોય તે જોયા વિના છૂટકો જ નહીં.
એવી રીતે જાહેરાતોનો મારો ચાલે છે અને તેની પર કોઈનું નિયંત્રણ નથી તેથી દર્શક કે વાચક જ તેનો ભાર વેંઢારી રહ્યો છે ત્યારે જાગૃત ગ્રાહક તરીકે એ પ્રશ્ન થાય કે આ કુા.ની આ ચીજવસ્તુ રોજની કેટલી વેચાતી હશે કે આમ ઢગલાબંધ જાહેરાતો પાછળ રોજના લાખો રૂપિયા ખર્ચે છે! દરેક સેલેબ્રીટી ભ્રામક જાહેરાતોમાં પોતાની હાજરી આપી તેમના સ્વીસ બેંકના એકાઉન્ટ મજબૂત કરે છે ત્યારે, ભ્રામક જાહેરાતોમાં આવતી દરેક સેલીબ્રીટી અને કું. પર કેસ થવા જ જોઈએ અને ભ્રામક જાહેરાતો બંધ થવી જોઈએ અને જાહેરાતો પ્રસિદ્ધ કરવા માટે પણ કોઈ નીતિનિયમો હોવા જ જોઈએ. બધું જ નરેન્દ્રભાઈ કરશે તો આ મહિને દહાડે લાખો-કરોડોના પગાર અને સગવડ ભોગવતા અધિકારીઓ આ કામ ક્યારે કરશે?
સુરત, – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.