SURAT

સુરતમાં ઉનાળામાં શિયાળા જેવો માહોલ, સવારે ગાઢ ધુમ્મસ છવાયું, અનેક ફ્લાઈટ મોડી પડી

સુરત(Surat): સુરત શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. વીતેલા એક સપ્તાહ દરમિયાન ઠંડી (Cold) અને ગરમી (Heat) બંને ઋતુનો સુરતના લોકો અનુભવ કર્યો છે. બપોરના સમયે આકરો તાપ પડી રહ્યો છે તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે.

દરમિયાન આજે તા. 19 માર્ચની સવારે શહેર અને જિલ્લામાં ગાઢ ધુમ્મસ (Fog) છવાઈ ગયું હતું, જેના લીધે આકાશ પર વાદળોની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિઝિબિલિટી ઘટી ગઈ હતી. 100 ફૂટ દૂર જોઈ શકાતું નહોતું. તેના લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વિમાની સેવા પણ અવરોધાઈ હતી. કેટલીક ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી.

માવઠું પડે ત્યાર બાદ વાતાવરણમાં જેવો પલટો જોવા મળે તેવું વાતાવરણ સુરતમાં જોવા મળી રહ્યું છે. વરસાદ વિના જ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક પ્રસરેલી અનુભવાય છે. તો આભમાં ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના લીધે વાહનચાલકોએ સવારે પણ લાઈટો ચાલુ કરવી પડી રહી છે.

ઈન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ
સવારે સુરતના આકાશમાં વધુ પડતું ધુમ્મસ હોવાના લીધે વિમાની સેવા પણ અવરોધાઈ હતી. સવારે દિલ્હીથી ઈન્ડિગોની (Indigo) ફ્લાઈટ 6ઈ2272 સુરત તેના નિર્ધારિત સમયે આવી હતી, પરંતુ વિઝિબિલિટી ન હોવાના લીધે પાયલોટ ફ્લાઈટને સુરત એરપોર્ટ પર લેન્ડ કરાવી શક્યો નહોતો. સુરતના આકાશ પર ચક્કર માર્યા હતા, પરંતુ તેમ છતાં લેન્ડ કરાવવામાં સફળતા મળી નહોતી. આખરે ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી.  જે બેથી અઢી કલાક બાદ સુરત એરપોર્ટ પર તે ફલાઈટ લેન્ડ થઈ હતી. તે સાથે એર ઇન્ડિયાની બેંગલોર સહિત બે અને ઇન્ડિગોની હૈદરાબાદની ફ્લાઇટ એકથી દોઢ કલાક મોડી પડી હતી. જ્યારે હૈદરાબાદથી સુરત આવેલી ફ્લાઈઠ 6ઈ928 ફોગના લીધે મોડી પડી હતી. જેના લીધે પેસેન્જરોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

100 મીટરથી ઓછી વિઝિબિલિટીના લીધે ફ્લાઈટ ઉતરી શકી નહીં
સુરત એરપોર્ટના રન-વે પર 00 મીટર વિઝિબિલિટીમાં ફલાઇટ લેન્ડ કરી શકાય છે. અહીં તે પ્રકારની આઇએલએસ લગાડવામાં આવી છે. જો કે, આજે તા. 19 માર્ચની સવારે સુરતના આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના લીધે વિઝિબિલિટી 100 મીટરથી ઓછી થઈ ગઈ હતી. જેને લીધે સુરત એરપોર્ટ પર સવારે 7:00 કલાક સુધી એર ઓપરેશન ખોરવાયું હતું. 8:30 વાગ્યા બાદ આકાશ ચોખ્ખું થતાં એર ઓપરેશન શરૂ થઈ શક્યું હતું.

Most Popular

To Top