Comments

રામ-નામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ..!

રામ-નામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ..!
રામ નામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ
ફિર પાછે પછતાયેગા પ્રાણ જાયેગા છૂટ
કબીરા પ્રાણ જાયેગે છૂટ……….

 માણસના હાથમાંથી, પ્લેન-ટ્રેન-તક કે સમય સરકી જાય, ત્યારે તરત મગજમાં ખંજવાળ આવે? લૂઝ મોશન’માં ભેરવાયા હોય એવી હાલત થઇ જાય. ‘ઢીલ્લ્લ્લા’થઇ જવાય એ બોનસ..! વાલિયાએ ઘણી લૂંટ ચલાવેલી, પણ રામ-નામનો રામબાણ ઈલાજ એવો લાધ્યો કે, વાલિયામાંથી તેઓ વાલ્મિકી બની ગયેલા..! એક વાત છે, જેણે આખી જિંદગી ‘એશ’જ કરી હોય અને શ્વાસની છેલ્લી ઓવરમાં રામ-નામની માળા જપવા બેસે તો, કોઈ કાંદો નહિ નીકળે..! વોશિંગ પાઉડરની એકાદ પડીકીમાં સફેદી નહિ આવે. ઘરના વાતાવરણમાં આધ્યાત્મિકતા હોય તો જ, રામ-નામથી સફેદી આવે..! રામનામની જ એક લૂંટ એવી છે, કે એ લૂંટ કરવામાં IPC ની કોઈ કલમ લાગતી નથી.

બહુ બહુ તો, કાંડે રુદ્રાક્ષની બેડી લાગે, બાકી હાથકડી નહિ લાગે..! (એ..રામ રહીમ કોણ બોલ્યું? સખણા રહો ને યાર..? ) રામ-નામ સાથે જીવીએ તો આપણો રાઘવ છેલ્લા શ્વાસ સુધી આપણો જામીન હોય. બંદાનો વાળ વાંકો નહિ થવા દે..! સંતશ્રી જલારામ, તુકારામ. મીરાંબાઈ. નરસૈંયો..આવાં તો અનેક ભક્ત-પ્રમાણો ભારતવર્ષમાં છે. પણ એના કપાળમાં કાંદા ફોડું, પૈસાની મેલવણ એટલી વધી ગઈ કે, નોટ ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો હોવા છતાં, માણહ હખણો નથી રહેતો..!. પૈસો તો બૂચા ‘ડાઈવર્ઝન’છે, ‘લાઈફ-વર્ઝન’નથી.

 શ્રી રામની પેઢીનો વારસદાર હોય એમ, ૭૫ વર્ષ પહેલાં, મારી ફોઈએ મારું નામ રમેશ (રમા+ઈશ) પાડેલું..! નાસ્તિકે પણ મને બોલાવવો હોય તો, ભગવાનનું નામ લેવું પડે, એવી ડોહાએ વ્યવસ્થા રાખેલી. નામ દઈને બોલાવવાના બહાને તો ભગવાનનું નામ લે..? બાકી, એક વાત એવી પણ ખરી કે, માણહનું નામ ભલે રામભાઈ હોય, રણછોડભાઈ હોય, ભરત ભાઈ હોય, કે લક્ષ્મણભાઈ હોય, કોઈ matter નહિ..! પણ એનાં તળિયાં તપાસીએ ત્યારે ખબર પડે કે, બંદો તો આસ્તિક કરતાં, નાસ્તિકના રવાડે વધારે ચઢેલો..!

Dog ને ઊંધો વાંચીએ તો, God થાય, એવું સમજી Dog ને ઊંધો ટાંગીને પૂજા કરે તેવા..! આવાં લોકોને માળા ફેરવવા કહીએ તો ટાઢિયાને બદલે, ઊનો તાવ આવે..! જીભમાં ખરજવું નીકળ્યું હોય એમ કકળાટ કરવા માંડે..! એક વાર એક સિદ્ધ નહિ, પણ મિડિયાથી ‘પ્રસિદ્ધ’થયેલા ભગવાધારીએ ચમનિયાને કહ્યું કે, સુખી થવું હોય તો, રામ-નામની રોજની ૧૦૮ માળા ફેરવો..! ચમનિયાએ માળા તો ફેરવી, પણ બે મીનીટમાં રોજ ૧૦૮ માળા ફેરવીને ઊભો થઇ જાય. મને શંકા ગઈ કે આ માળા ફેરવે છે કે મણકા..! સાક્ષાત્ જોયું ત્યારે ખબર પડી કે, ધંતુરો મણકા ફેરવવાને બદલે, માળાને આંગળીમાં ભેરવીને ૧૦૮ વખત ગોળ-ગોળ ફેરવતો હતો.! બોલ્લ્લો…આવાને રામ મળે..? હિરણ્યકશ્યપ કે રાવણ પણ નહિ મળે..!

 નામ ગમે તે રાખો. કોઈ ફરક નહિ પડતો..! નામમે રખ્ખા ક્યા હૈ બોસ..? નામ ધનસુખ હોય ને બિચારો સાવ કંગાળ પણ હોય..! નામ સુનયના હોય, ને ત્રાંસી આંખને સીધી કરવાની ટ્રીટમેન્ટ ચાલતી હોય..! બાકી નામ તેવા ગુણ હોવા જોઈએ એ હકીકત..! કોઈને નહિ તો નામ પાડનાર ફોઈને તો ટાઢક થાય, કે મારું પાડેલું નામ બરમૂડાએ છોલી નથી કાઢ્યું, પણ ઉજાગર કર્યું છે. સાચાં ફૂલો ઉપર જ મધમાખી સવારી કરતી હોય, પ્લાસ્ટીકનાં ફૂલો ઉપર મધમાખી રાતવાસો કરતી નથી. મધમાખી તો ઠીક, માખી પણ ડોરબેલ વગાડવા આવતી નથી. મોટી મોટી મા હોય,ચૂંટણીના ખ જ બેસે..! પછી, એવા ઘરે શંખનાદ કે ઘંટનાદ નહિ થાય, છાશવારે બબાલ જ થાય..! કૌશલ્યાનંદન રામના આગમનની તો અપેક્ષા જ નહિ રખાય..! તંઈઈઈઈ .?

 વર્ષો પહેલાં કબીરસાહેબે કહેલું કે, ‘રામ-નામકી લૂંટ હૈ, લૂંટ શકે તો લૂંટ..!’પણ સમય એવો હાઈબ્રીડ આવ્યો કે, માણસને પૈસાનો મેલ ચઢી ગયો. રામ-નામની લૂંટ કરવાને બદલે, પૈસાની લૂંટ વધી. પૈસો ડાઈવર્ઝન છે, ભૈલા..! દવા ને દુઆ કામ આવે, ત્યાં પૈસાનું પાંચિયું પણ નહિ આવે..! દર્દીને સંપૂર્ણ તપાસીને એક વાર જો ડો. SORRY બોલી દે, એટલે વાર્તા પૂરી. દેહનો કરાર પૂરો..! છેલ્લે હોલસેલના ભાવે, ‘રામ બોલો ભાઈ રામ’બીજાએ બોલવું પડે..! એની જાતને..!

 મૃત્યુ અનિવાર્ય છે મામૂ..! પાર્ટી ગમે એટલી મજબૂત હોય, ઉમેદવારને જેટલો ખેંચવો હોય એટલો ખેંચાય, પણ ‘મૃત્યુ’લંબાવી શકાતું નથી. માણસનું કામકાજ પણ મોબાઈલ જેવું છે..! મોબાઈલ ગમે એટલો મોંઘો હોય, સીમકાર્ડ વગર નકામો. એમ શરીર ગમે એટલું સુંદર હોય, પણ આત્મા વગર નકામું. આત્મા એ શરીરનો સીમકાર્ડ છે. જીવ બાળીને પણ એક વાર તો મરવું પડે જ. બિલકુલ ભાડુઆતના કરાર જેવું છે બોસ..!

કરાર પૂરો થાય, એટલે ભાડુઆતે જગ્યા ખાલી જ કરવાની. શરીરનો કરાર પૂરો થાય, એટલે ઉપરવાળો વારાફરતી નોટીસ મોકલવા માંડે..! કોઈ મોટો માણસ વિદેશ જાય તે પહેલાં, તેનો સામાન સ્થળ ઉપર પહેલાં પહોંચી જાય, પછી અંગત સ્ટાફ જાય, દવા જાય, કપડાં જાય..! એવું જ જીવનું..! જીવની ફ્લાઈટ ઉપડે તે પહેલાં વાળ જાય, આંખની રોશની જાય, કાનની શ્રવણશક્તિ જાય, દાંત જાય, સ્મૃતિ જાય, ઘૂંટણ પરવારી જાય, એમ બધું પહોંચી જાય પછી જ આતમરામની ફ્લાઈટ ‘ટેઈક ઓફ’થાય..!

ટૂંકમાં વાત કરું તો, જનમતી વખતે જેટલો સરસામાન ભગવાને આપેલો, એ બધો સામાન ઉપર પહોંચે નહિ, ત્યાં સુધી આતમરામની ફ્લાઈટ ‘રામ બોલો ભાઈ રામ’ ના નાદ સાથે ઉપડે નહિ. ત્રણ કિલોનું શરીર આપેલું હોય તો, ત્રણ કિલોની રાખ પણ જળમાં પધરાવવાની, ત્યાં સુધી કરાર પૂરો નહિ થાય..! કરાર પૂરો થાય એટલે. મારતે ‘પાડે’યમરાજ આવીને ઊભા હોય કે, “ચલો બુલાવા આયા હૈ, માલિકને બુલાયા હૈ..!”માણહ હાલતો હોય, રમતો હોય, નાચતો હોય,પૈણતો હોય કે ડિસ્કો કરતો હોય તો પણ ઉપાડી લે..! કરાર એટલે કરાર..!

 શ્વાસોશ્વાસની છેલ્લી ઓવર ચાલતી હોય, ને ઉંમરલાયક મરણપથારીએ સૂતા હોય ત્યારે ફરતે ઉભેલું ટોળું મરનાર પાસે ‘રામ’બોલાવવા જે જુલમ કરે, એ જોઇને તો નાસ્તિકને પણ રડું આવી જાય બોસ..! એમ થાય કે, “એ નહિ બોલે તો રહેવા દો, હું રામ..રામ..રામ..બોલી દઉં..!”જીવતાં જીવત માંગેલું પાણી પાયું ના હોય, પણ મરવા પડે ત્યારે ગંગાજળની લોટી ઊંધી વાળવા પડાપડી કરે..! કાનમાં મોંઢું નાંખીને ચીહાળા પાડે, કે ‘બાપા, જરાક તો ગંગાજળ પીઓ..? જરાક તો રામનું નામ બોલો..? જાણે ગંગાજળ પીધા વગર સ્વર્ગનો વિઝા અટકી જવાનો હોય, એમ કાલાવાલા કરે..! થાય એવું કે, શ્વાસ ખૂટવાને લીધે નહિ, પણ આગ્રહના ઓવરડોઝ સહન નહિ થવાથી ‘ડોહા દેહ છોડી દે..! અલ્યા, આખી જિંદગી શ્રીરામનું નામ બોલ્યા ના હોય, એનાથી અંતકાળે “એલારામ”પણ નહિ બોલાય..! જેમણે આખી જિંદગી રામભાઈને ‘રામલા’થી બોલાવ્યો હોય, એવાને રામ બોલવાનું ફાવે..?

 રામનામની લૂંટ તો આદિકાળથી ચાલે છે મામૂ..! લોકબોલીમાં વર્ષોથી શ્રીરામનું નામ બોલાતું આવ્યું છે.. રસ્તે કોઈ મળે તો તરત ‘રામ-રામ’બોલાય, દુર્ઘટનાથી બચી જવાય તો ‘રામ રાખે તેને કોણ ચાખે બોલાય, ધારેલું કામ થાય તો ‘રામે મારો ટેક રાખ્યો’બોલાય, કંઈક જતું કરવાની વાત હોય તો, ‘રામ-રામ કરો ને ભાઈ’બોલાય, પતિ-પત્નીની જોડ સારી હોય તો, તેના માટે ‘રામ-સીતાની જોડી બોલાય, ચારેય બાજુ સુખની બોલબાલા હોય તો ‘રામ રાજ અને પ્રજા સુખી બોલાય, સારી દવા મળી જાય તો ‘રામબાણ ઈલાજ બોલાય’અને છેલ્લ્લ્લે ઉકલી ગયા તો ‘રામ બોલો ભાઈ રામ બોલાય..!’જય રામજીકી..!!
 રામ નામ કી હૈ ઔષધી જો ખરે ખંતસે ખાય
 ભંગ પીરા વ્યાપે નહિ મહા રોગ મિટ જાય

 લાસ્ટ ધ બોલ
રાવણને વિચાર આવ્યો કે, શ્રી રામ દરિયામાં પથ્થર નાંખે ને તરી જાય, તો મારો નાંખેલો પથ્થર પણ તરવો જોઈએ. રાવણે પણ રામ નામ લખ્યા વગર દરિયામાં પથ્થરને નાંખ્યો..! .પથ્થર તરી ગયો બોસ..!
રહસ્ય પછી ખુલ્યું કે, રાવણે પથ્થરને એમ કહેલું કે “જો તું નહિ તરે તો તને ભગવાન શ્રી રામની આણ છે.”
(આ વાતને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી મામૂ..!)
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top