સુરત: છેલ્લાં બે વર્ષ કરતા વધુ લાંબા સમયથી સુરતનો હીરા ઉદ્યોગ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2023 હીરા ઉદ્યોગ માટે પડકારજનક રહ્યું હતું. યુરોપીયન દેશોમાં માંગ નહીં હોવાના લીધે સુરતમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી હતી, જેના લીધે અનેક કારખાનાઓ બંધ થયા હતા તો અનેક ફેક્ટરીઓમાં રત્નકલાકારોને છૂટા કરી દેવાયા હતા. બેરોજગારી અને આર્થિક સંકટથી પીડાતા રત્નકલાકારોએ જીવન ટૂંકાવી લેવાની નોબત આવી હતી.
છેલ્લાં આઠથી દસ મહિનામાં અંદાજ 38 જેટલાં રત્નકલાકારોએ આર્થિક સંકટથી પીડાઈને આપઘાત કરી લીધા હોવાનો દાવો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને કર્યો છે. આ સાથે જ યુનિયનના હોદ્દેદારોએ આજે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રૂબરૂ મળી રત્નકલાકારોને તેમનો હક્ક અને ન્યાય અપાવવા માંગણી કરી હતી.
આજ રોજ તા. 6 ફેબ્રુઆરીના રોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડીયાના વડપણ હેઠળ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરીયા અને ઉપ પ્રમુખ ભાવેશ ટાંક તથા કૃણાલ કાચાના પ્રતિનિધી મંડળએ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની રૂબરુ મુલાકાત કરી રજૂઆત કરી હતી. જેમાં જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલના રીજીયન ચેરમેન વિજય માંગુકિયાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું. હીરાઉદ્યોગમાં પ્રથમ વખત સૌ આગેવાનો અને સંસ્થાઓ એકમત થઈને આર્થિક સંકટમાં ફસાયેલા રત્નકલાકારોને સરકાર મદદ કરે એવી રજૂઆત કરી હતી
હીરાઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો હેરાન થઈ રહ્યા છે. કેમ કે દિવાળીના વેકેશન વહેલા પડ્યા હતા અને વેકેશન નિર્ધારીત સમય કરતા લાંબુ ચાલ્યું હતું. તેથી કારખાના મોડા ખુલ્યા હતા. ઘણા નાના મોટા કારખાના તો ફરી ખુલ્યા જ નહીં. તે બંધ થઈ ગયા છે, જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે.
યુનિયને વધુમાં કહ્યું કે છેલ્લાં આઠ થી દસ મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે, ત્યારે મુખ્યમંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીને હીરાઉદ્યોગના રત્નકલાકારોને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરવા મા આવી છે. મંત્રી બળવંતસિંહ રાજપુતે રજૂઆત સાંભળી સારો પ્રતિસાદ આપ્યો હતો.
હીરાઉદ્યોગના રત્નકલાકારોની માંગણીઓ
- આર્થિક પેકેજ જાહેર કરો
- રત્નદીપ યોજના શરૂ કરો
- વ્યવસાય વેરો નાબૂદ કરો
- આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવારો ને આર્થિક મદદ કરો
- રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો ની માંગણી સરકાર સમક્ષ કરી છે