ભરૂચ: (Bharuch) ઝઘડિયા પંથકમાં બે વર્ષનો દીપડો (Leopard) વેચવા માટે ફરતા એક શખ્સને દીપડા સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ પ્રતિબંધિત કાચબો, પોપટ, ઘૂવડ, સાહુડી, આંધળી ચાકર જેવાં પશુ-પક્ષીઓને ગેરકાયદે વેપલાને પકડવાનું ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા તથા મુંબઇસ્થિત WCCBની ટીમે વન વિભાગને સાથે રાખીને ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં છેલ્લા અઢી મહિનામાં પાડવામાં આવેલા દરોડામાં 26 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક ફરાર થઈ ગયો હતો. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા તથા મુંબઈસ્થિત WCCBડની ટીમે ગુજરાત અને મહારાષ્ટ્ર વન વિભાગની ટીમને સાથે રાખીને છેલ્લા અઢી મહિનામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હતાં. કપડવંજ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વલસાડ, ધરમપુર, વાંસદા, ચીખલી, કપરાડા, રાજકોટ, અમદાવાદ, મહારાષ્ટ્રના નાસીક, ત્રંબકેશ્વર નજીક દરોડા પાડીને વન્યજીવ સાવચેતક પ્રમાણે બચાવી લેવામાં આવ્યાં છે. પ્રતિબંધિત વન્યજીવોનું વેચાણ માટે ફરતા આવા 26 જેટલી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક ફરાર થઈ હોવાનું જાણવા મળે છે.
આ અંગે GSPCAના રાજ ભાવસારના જણાવ્યા અનુસાર મળી આવેલા પ્રતિબંધિત પશુ-પક્ષીઓમાં કપડવંજ ખાતેથી 59 સ્ટાર કાચબા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેથી દીપડાનું બે વર્ષનું બચ્ચું, અમદાવાદ ખાતેથી ૧૨૪ નંગ પોપટ, ધરમપુર ખાતેથી ઈન્ડિયન ઈગલ આઉલ (ઘૂવડ), નાસીકના સુરગાણા ખાતેથી એક સાહુડી, નાસીકના ત્રંબકેશ્વર ખાતેથી હાથજોડી નંગ ૩૪, ઈન્દ્રજાળ 95 નંગ, મહારાષ્ટ્રના શાહદા, તલોદા રેન્જ ઈન્દ્રજાળ ફેમ સાથે ૮ નંગ, ચીખલી ૧ નંગ બાન આઉલ (ઘૂવડ), વાંસદા ખાતેથી ૨ નંગ સાબર સીંગ, કપરાળા ખાતે દીવડાનું ચામડું તથા દીવડાના પંજા નંગ-૪, રાજકોટ ખાતેથી આંધળી ચાકર મળી આવી હતી.
ઝઘડિયા પંથકમાં દીપડાના બચ્ચાની સાથે રહેતો ઈસમ છેલ્લા કેટલાક સમયથી તેને વેચવા માટે ફરતો હતો. દીપડાના બચ્ચાને તેણે ઘરમાં રાખ્યું હતું તેને સારી રીતે રાખતો પણ હતો. આ બચ્ચું લગભગ બે વર્ષનું હતું. ઝડપાયેલા તમામ 26ની સામે વનવિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અદાલતે તમામનાં જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.