અમદાવાદ: અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) એર કાર્ગો (AirCargo) કોમ્પલેક્સમાંથી ડીઆરઆઈએ (DRI) 50 કિલોથી વધુ ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે. ગાંધીનગર (Gandhinagar) નજીક દહેગામ (Dahegam) રોડ પર મોટા જલુન્દ્રા ખાતે આવેલી ફેક્ટરીમાં ડીઆરઆઈએ રેઈડ કરી હતી. ત્યારે કેમિકલની આડમાં કેટામાઈન ડ્રગ્સ સ્મગલ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો.
બુધવારે ડીઆરઆઈએ અમદાવાદના એર કાર્ગો કોમ્પલેક્સમાંથી પ્રતિબંધિત કેટામાઈન ડ્રગ્સનો 50 કિલોથી વધુનો જથ્થો પકડ્યો હતો. આ ડ્રગ્સની સાથે 46 કિલો શંકાસ્પદ પાવડર પણ મળી આવ્યો હતો. તપાસમાં અંદાજે 25 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું હોવાનું વિગતો સાંપડી છે.
એરકાર્ગો કોમ્પલેક્સમાંથી ડ્રગ્સ પકડાયા બાદ ડીઆરઆઈએ ગાંધીનગર નજીક દહેગામ રોડ પર મોટા જલુન્દ્રા ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. ત્યાં કેમિકલની આડમાં કેટામાઈન ડ્રગ્સ સ્મગલ કરાતું હોવાની વિગતોનો પર્દાફાશ થયો હતો.
ડીઆરઆઈની ટીમે ગાંધીનગરની ફેક્ટરીમાં પ્રતિબંધિત નશાકારક ડ્રગ્સનું ઉત્પાદન કરી તેને પેક કરી એરકાર્ગો મારફતે હવાઈ માર્ગે ભારત બહાર નિકાસ કરાતું હોવાના રેકેટનો પદાર્ફાશ કર્યો છે. ડીઆરઆઈએ એનડીપીએસ એક્ટ 1985 હેઠળ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
આ કેસમાં ડીઆરઆઈએ 3 આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણ લોકોની અટકાયત કરાઈ તેમાં એક મલેશિયન નાગરિક છે. તેનું નામ શેલો હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત આનંદ અને ઉત્કર્ષ નામના બે આરોપીની અટકાત કરાઈ છે. ફેક્ટરીની માલિકી ભરત જાડેજા નામના વ્યક્તિની હોવાની વિગતો સાંપડી છે.
ડ્રગ્સ રેકેટમાં નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો
ગુજરાત સરકારનો વહીવટ જ્યાંથી ચાલે છે તે ગાંધીનગરની નજીક દહેગામમાં જ માફિયાઓ ડ્રગ્સનું ઉત્પાદન, પેકિંગ કરી અમદાવાદ એરપોર્ટના એરકાર્ગોમાંથી દેશ બહાર મોકલતા હોવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. એક તરફ ડ્રગ્સ માફિયાઓને ડામવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે માફિયાઓએ સરકારના ગઢમાં જ ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી દેતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ફેક્ટરીમાં રાજસ્થાનીઓને કામ પર રાખ્યા હતા
કેમિકલની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન કરી નિકાસ કરાતું હતું. ડ્રગ્સના ઉત્પાદન માટે આ ફેક્ટરીમાં 15 લોકોને કામ પર રાખવામાં આવ્યા હતા. તમામ 15 લોકો રાજસ્થાની હોવાનું જાણવા મળ્યું છે. 12 કલાકની શિફ્ટમાં કામ કરાવાતું હતું. મલેશિયન નાગરિક શેલો ડ્રગ્સનું ક્વોલિટી કંટ્રોલ કરતો હતો.