સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકીને લેડીઝ ટોયલેટમાં આધેડ દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવતા મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાને લઈ મહિલાઓએ વૃદ્ધ ને ચપ્પલ વડે માર મારતો વિડીયો સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટના બુધવારની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ બાબતે સિવિલ સુપરિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ અપાયા હોવાનું અને સિક્યુરિટીને પણ એલર્ટ કરી દેવાઈ હોવાનું જાણવામાં આવ્યું છે.
શહેરના મજુરા ગેટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં એક આધેડે મહિલા ટોયલેટમાં ઘુસીને બાળકીની છેડતી કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બાળકીની માતા રણચંડી બની હતી અને નરાધમ આધેડને પકડીને જાહેરમાં તેની ધોલાઈ કરી નાંખી હતી. મહિલાએ ચપ્પલથી આધેડને જાહેરમાં ફટકાર્યો હતો. આ ઘટનાને સિવિલના સ્ટાફ તથા અન્ય દર્દીઓએ રેકોર્ડ કરી લીધી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિવિલનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હતું. હાલમાં સિવિલના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં જાણવા મળ્યા અનુસાર આ ઘટના સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઓ.પી.ડી.ની સામે મહિલા ટોયલેટમાં બની હતી. એક આધેડ મહિલા ટોયલેટમાં ઘુસી ગયો હતો અને માસુમ બાળકીની છેડતી કરી હતી. બાળકીએ બુમાબુમ કરતા તેની માતા દોડી ગઈ હતી અને છેડતી કરનાર આધેડને પકડીને સિવિલ કેમ્પસમાં જ ચપ્પલ વડે મારવાનું શરૂ કરી દીધું હતું.
અચાનક મહિલા દ્વારા આધેડ પર હુમલો કરવાની ઘટનાને પગલે લોકોમાં કૌતુહલ સર્જાયું હતું. પૂછપરછ કરતાં મહિલાએ હકીકત જણાવતાં લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. બાળકીની છેડતી કરનાર આધેડ નશેડી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ ઘટનાને પગલે સિવિલના વહીવટી તંત્ર દોડતું થયું છે. સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જવાબદાર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીના આદેશ કર્યા છે. આ પ્રકારની ઘટનાનું સિવિલ કેમ્પસમાં પુનરાવર્તન ન થાય તે માટે પણ સિક્યુરિટી સ્ટાફ સહિતના સ્ટાફને જરૂરી સુચન આપ્યા હતા.