વડોદરા: શહેરની મધ્ય માં આવેલા સયાજીબાગમાંથી વધુ એક ચંદનના લાકડાની ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. બાગમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનો આવી જતા તસ્કરો લાકડું છોડીને નદીના માર્ગે નાસી છૂટ્યા હતા. અગાઉ અનેકવાર ચંદનના લાકડાની ચોરી થઇ ચુકી છે છતાં તંત્ર દ્વારા આ મોંઘાદાટ લાકડાની જાળવણીમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. શહેરના સયાજીબાગમાં ચંદનના અનેક વૃક્ષો આવેલા છે. ભૂતકાળમાં ચંદનચોર ટોળકી દ્વારા અનેક લાકડાઓની ચોરી કરવામાં આવી છે છતાં આ ઘટનાઓથી તંત્રએ કોઈ શીખ લીધી નથી.
સોમવારની મધ્ય રાત્રીએ બે તસ્કરો સયાજીબાગમાં ચંદનના લાકડાની ચોરી માટે પ્રવેશ્યા હતા. તેઓએ વૃક્ષ કાપી નાખ્યું હતું તેવામાં બાગમાં ફરજ ઉપરના સિક્યુરિટી જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને લાઈટ મારતા બંને તસ્કરો પાછળના નદીના માર્ગે નાસી છૂટ્યા હતા. રાત્રીના 2.45 કલાકે ઘટેલી ઘટના અંગે સવારે સિક્યુરિટી વિભાગ દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી છે. અને ત્યાર બાદ પંચનામું કરવામાં આવ્યું છે. તસ્કરોએ વૃક્ષને કાપીને પડી દીધું હતું જેથી હવે આ લાકડાને નર્સરી ખાતે મોકલી આપવામાં આવશે.
હાલ સુધીમાં 50 જેટલા વૃક્ષોની ચોરી
સયાજી બાગમાં અનેક ચંદનના વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા. જો કે એક બાદ એક આ વૃક્ષોની ચોરી થઇ છે. જાણવા મળ્યા મુજબ હાલ સુધીમાં 50 થી વધુ ચંદનના વૃક્ષો કાપીને તેની તસ્કરી કરવામાં આવી છે છતાં પાલિકાનું તંત્ર જાગતું નથી. પાલિકા માત્ર સિક્યુરિટી જવાનોના આધારે આટલા મોંઘાદાટ ચંદનના વૃક્ષો છોડી રહ્યું છે. આ વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સુવિધા પણ હોય તેમ લાગી રહ્યું નથી.
ચંદનના એક વેંત લાકડાનો બજાર ભાવ રૂ.800 થી રૂ.1000
ચંદનનું લાકડું મોંઘા ભાવે વેચાય છે. બજારમાં ચંદનના લાકડાનો ભાવ જોઈએ તો એક વેંત જેટલું લાકડું કે જેનો વ્યાસ અડધો ફૂટ જેટલો હોય તેની બજાર કિંમત 800 થી 1000 રૂપિયા ચાલે છે. તસ્કરો જો આ આંખે આખું ઝાડ કાપી ને લઇ જવામાં સફળ થયા હોત તો તેની બજાર કિંમત લાખોમાં આંકી શકાય.
સિક્યુરિટી સ્ટાફની ઘટ હોવાના કારણે બાગમાં ધ્યાન નથી અપાતુ
તસ્કરો આવ્યા ત્યારે સિક્યુરિટી જવાનો રાઉન્ડમાં હતા તેઓ આવી ગયા હતા અને તેઓએ ટોર્ચ મારતા તસ્કરો નાસી છૂટ્યા હતા. ફરજ ઉપર સિક્યુરિટી જવાનોની ઘટ છે. આટલા મોટા બાગમાં ઓછા જવાનો હોવાથી પૂરતું ધ્યાન નથી આપી શકાતું. બાગમાં ફર્સ્ટ શિફ્ટમાં 12, સેકન્ડ શિફ્ટમાં 14 ને નાઈટ શિફ્ટમાં 14 ગાર્ડ્સ ફરજ ઉપર આવે છે. વધુમાં પોઇન્ટ દૂર દૂર હોવાના કારણે તકલીફ ઉભી થઇ રહી છે. – ઘનશ્યામ કહાર, સિક્યુરિટી સુપરવાઈઝર