Dakshin Gujarat

ટોસ હાર્યા એટલે વર્લ્ડકપમાં ભારત હારી જશે એવું કહેનારી વહુ સાથે સાસરિયા ઝઘડ્યાં, પોલીસ બોલાવવી પડી

નવસારીઃ ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ક્રિકેટની ફાઇનલ મેચમાં ટોસ ભારત હારી જતાં મેચ પણ હારી જશે એવું કહેનારી વહુ સાથે પરિવારના બીજા સભ્યો ઉગ્ર રીતે ઝઘડતાં વહુએ 181 અભયમની હેલ્પલાઇન પર ફોન કરતાં અભયમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

ફાઇનલ મેચ જોતાં પરિવારની વહુએ ભારત ટોસ હારી જતાં મેચ પણ હારી જશે એમ કહેતાં તેમના માસા અને સાથે બેઠેલા બીજા પરિવારના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતાં અને આવું કેમ કહ્યું તેમ જણાવી ઉગ્ર ઝઘડો કરવા લાગતા મહિલાએ બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો.

અભયમ નવસારી ટીમે પરિવારને સાથે રાખી સમજાવેલ કે આ એક ગેમ છે જેમાં એક ટીમની હાર નિશ્ચિત હોય છે જેમાં ખેલદિલી રાખી ક્રિકેટ ની મઝા માણવી જોઈએ. યુવતીને પણ પરિવાર સાથે સુમેળ રાખવા જણાવ્યું હતું. આમ ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા અસરકારતાથી સમજાવતા પારિવારિક ઝઘડામાં સમાધાન કરાવ્યું હતું.

ભારત વર્લ્ડકપ હાર્યું
રવિવારે તા. 19મી નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ ભારત જીતે તેવું લાગી રહ્યું હતું. આખુંય સ્ટેડિયમ ભૂરા રંગથી રંગાયું હતું, પરંતુ ટોસ હાર્યા બાદ ભારત મેચ પણ હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટનું ચેમ્પિયન બન્યું હતું. ભારતે પહેલો દાવ લેતા માત્ર 240 રન બનાવ્યા હતા, જે ટાર્ગેટ આસાનીથી ઓસ્ટ્રેલિયાએ માત્ર 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.

Most Popular

To Top