Comments

જે બની રહ્યું છે તે કેમ બની રહ્યું છે, સોચો જરા!

ક્રિકેટરિયાના પેશન્ટના દર્દનું હાર્દ સમજી મેં રાજુ દર્દીને આઉટડોર પેશન્ટ રૂપે દિવસ દાખલ કરી ડિલકસ રૂમ ફાળવી દીધો! “સાહેબ!” આગંતુક બોલ્યો. “બોલો, કાકા.”સાહેબ તરીકે જેને સંબોધન થયેલ તે વ્યક્તિ પ્રોફેશનલ સ્મિત અને એટીકેટથી બોલ્યો. “કાકા?”આગંતુકે નારાજગીયુકત આશ્રર્ય વ્યક્ત કર્યું. “હા. કાકા. કાકાને કાકા ન કહેવાય તો દાદા કહેવાય?”સાહેબનો તર્ક! “હું ગ્રાહક છું. ગાંધીજીએ ગ્રાહકને ભગવાન કહ્યા છે.હું તમારા માટે ભગવાન છું!” આગંતુકનો દાવો.

“અરે, ભગવાન.હું તેની કયાં ના પાડું છું? પરંતુ, ગાંધીજીએ ગ્રાહકને કાકા કહેવાની કયાં ના પાડી છે? “સાહેબે ધારાસભ્યની જેમ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો! “કાકાને બદલે સાહેબ કહો તો મનથી યુવાવસ્થા ફિલ થાય!” આગતુંકે વિનંતી કરી. “ઓ.કે. કાકા , સોરી સર,સાહેબ,માલિક! પ્રભુ. આપના આગમનનું પ્રયોજન શું છે? “સાહેબે મૂળ વાત પર આવી પૃચ્છા કરી! “સર , મને કંઇક થાય છે!” આગતુંકે કહ્યું. “શું થાય છે? સાહેબે પૃચ્છા કરી. “ડોકટર કોણ છે?” દર્દીએ હમાલે કરેલા કાયર હુમલા પછી ઇઝરાયલે હમાસ સામે મોરચો ખોલ્યો તેમ સાહેબ સામે મોરચો માંડ્યો!

“તમને ખબર નથી?” સાહેબે પૂછયું. “વેઇટ, એ મિનિટ છે? હું ચેમ્બરની બહાર જઇ ડોકટરનું પાટિયું ચેક કરી આવું!”દર્દીએ કહ્યું! “ચેમ્બર બહાર જવાની જરૂર નથી. હું ડોકટર ગિરધરલાલ ગરબડિયા છું!”ડોકટરે કોણ ડોકટર છે તે કન્ફર્મ કર્યું! “માય સેલ્ફ રાજુ દર્દી”દર્દીએ પરિચય આપ્યો. “નાઇસ ટુ સી યુ!”મેં આનંદ વ્યક્ત કર્યો. મારી આંખમાં હિંસક, પાશવી , અમાનુષી, ઘાતક,ધારદાર , તેજદાર, અસરદાર ચમક અનુભવાઇ! ડોકટર માટે દરેક દર્દી મરઘો કે બકરો હોય છે. કયો કસાઇ બકરાને જોઇને ગ્લાનિ, અવસાદ, વિષાદ કે શોક અનુભવે? કસાઇ છરાની મદદથી મરઘાની ઝટકા કે હલાલ પધ્ધતિએ કત્લ કરે. જ્યારે ડોકટર સ્ટેથોસ્કોપ, ઇસીજી, એમઆરઆઇ , બાટલાથી દર્દીની કત્લ કરે. દર્દીને હલાલ કરે. પરંતુ, દર્દીના હામી હોવાનો દેખાવ કરે. શેરડીના સંચામાં શેરડી છેવટે કૂચાસ્વરૂપ પ્રાપ્ત કરે તેમ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી આર્થિક રીતે કૂચા જેવો થઇ જાય. દર્દીના શરીરમાંથી રોગ જાય કે ન જાય, પણ દર્દીનું ફાયનાન્શિયલ ડેથ અવશ્યપણે થાય છે!

“તો મને શું થાય છે તેનું નિદાન હું કેવી રીતે કરી શકું? મને ચેક કરો.મારું નિદાન કરો!” રાજુ દર્દીએ મર્મવેધી ઘા કર્યો. આજકાલ ડોકટરો આળસુના એદી બની ગયા છે. ડોકટરની ચેરની ડાબી, જમણી કે જયાં જગ્યા મળે ત્યાં સ્ટિલ કે લોખંડનું ચોરસ સ્ટુલ મૂકે. દર્દી સ્ટુલ પર બેસે એટલે પહેલો ધાણીફૂટ કે દર્દીકૂટ( ડોકટર એટલી જુદી જુદી જાતની ફી લૂંટે એટલે ધૂડી નિશાળનો મૂંછડ માસ્તર છોકરાની હથેળીમાં એટલી જોરથી આંકણીથી મારે કે છોકરાનો પેશાબ વછૂટી જાય. આ રીતે જ ડોકટર આપણી કૂટાઇ કરીને ગજવાં ખાલીખમ કરે છે!) સવાલ કરે.”શું થાય છે? સ્ટેથોસ્કોપ તમારી પાસે છે,દર્દી પાસે નહીં. સ્ટેથોસ્કોપ છાતી પર , પીઠ પર મૂક, દર્દીને ઊંડા શ્વાસ લેવાનું કહો એટલે તમારા સવાલનો જવાબ મળી જશે!

“તમને ચક્કર આવે છે? વર્ટિગો આવે છે?”મેં પૂછયું. “ના “રાજુ દર્દીએ ચક્કર ચક્કર માથું ધુણાવી ના પાડી. તેને જોવામાં મને ચક્કર આવી ગયા! “તમને ઉલ્ટી, ઉબકા આવે છે? મોઢામાં મોળ આવે છે? ખાટું ખાવાની ઇચ્છા એટલે કે દોહદ થાય છે?”મેં રાજુની ઉલટતપાસ આદરી! “ડોકટર ગરબડિયા. હું તમને કોઇ એંગલથી થોમસ બેટી લાગું છું? આઇ મીન સગર્ભા લાગું છું! મારી આગળ કે પાછળથી બેબી બમ્પ દેખાય છે?”રાજુ દર્દીએ જોરદાર વિરોધ કર્યો! “મિ. રાજુ દર્દી મેડીકલ સાયન્સમાં બધું શકય છે. એક થર્ડ જેન્ડર પણ બેબી કેરી કરી શકે છે?” મેં તબીબી સંભાવના જણાવી.

“ડોકટર ગરબડિયા ખોટી આશા ન બંધાવો!” રાજુ દર્દીએ કટાણું મોં કરી કહ્યું! “બોલો. રાજુઆઇ ભોડાકૂટ મેલો. હવે કહો કે તમે અહીં મારી હોસ્પિટલે કેમ આવ્યા છે? “મેં કડકાઇ વાપરી. “સાહેબ રૂમ ખાલી છે?”રાજુ દર્દીએ હોસ્પિટલમાં ન પૂછાતો હોય તેવો સવાલ કર્યો! “મિસ્ટર દર્દી. તમને હોસ્પિટલ અને હોટલ શબ્દમાં કોઇ સામ્ય દેખાય છે? આ હોસ્પિટલ કોઇ એંગલથી મેરિયેટ કે હચાત હોટલ કે કંઇ છગનભાઇ મગનભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સરાઇ કે ધર્મશાળા લાગે છે? જયા ડોરમેટરી, સિંગલ બેડ, ડબલ બેડ, એસી નોન એસી, સ્યુટરૂમ મળે?” મેં સવાલથી અકળાઇ સવાલ કર્યો!

“ડોક.( આજકાલ યંગ ડયુડસ દરેક શબ્દને શોર્ટ કરે છે. ડોકટરનું શોર્ટ એટલે ડોક! ડોકટર એ મધ્યમ પદ લોપી સમાસ છે! ડોક કટ કરનાર એટલે ડોક કાપનાર એટલે ડોકકટર!!) હું આઉટડોર પેશન્ટ તરીકે સારવાર કરાવી રૂમ લેવા ઇચ્છું છું. “રાજુ દર્દીએ પ્રપોઝલ મૂકી! “ટોટલી કન્ફયુઝિંગ સિચ્યુએશન. આઉટડોર પેશન્ટ રૂમ માંગે તેવું અમારા પ્રોફેશનમાં બનતું નથી! ઇટસ એમેઝિંગ!! મેં આશ્રર્ય વ્યક્ત કર્યું.

“ડોક નિકોલાઈ વાસિલ્યેવિચ ગોગૉલ રશિયાના સમર્થ સાહિત્યકાર હતા. હાસ્યપ્રેરક અતિશયોક્તિ માટે એમની ખ્યાતિ વિશ્વવ્યાપી છે. પોતાના દેશબંધુઓનાં દ્રવ્યલોભ, આળસ, લાંચરુશવત અને કંગાલિયતનાં કટાક્ષચિત્રોમાં તેઓ બેનમૂન હતા. ઓવરકોટ એ તેમની પ્રસિદ્ધ નવલિકા છે.જેમાં ઠંડીથી ધ્રૂજતો માણસ એકથી વધુ વાર જેલમાં જવા કોઇના મકાનના કાચ પર પથ્થર ફેંકે છે. પોલીસ તેને દરગુજર કરે છે. તે ઠંડીથી ધ્રૂજતો હોઇ એક દયાળુ વ્યક્તિ તેને ફરનો ઓવરકોટ પહેરાવે છે. ગરીબ વ્યકિત પાસે મોંઘો ઓવરકોટ કયાંથી હોય? નક્કી તેણે પહેરેલા કોટ કોઇની પાસેથી તફડાવ્યો છે એમ માનીને પોલીસે તેને હેડમાં પૂરી દીધો!! જ્યારે તેની પાસે ઠંડીથી બચવા ગરમ કપડાં ન હતાં ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા તેને જેલમાં જવું હતું. અલબત્ત, દાનમાં મળેલ કોટના કારણે તેની જેલ જવાની ઇચ્છા પૂરી થઇ તે નવલિકાની આયરની છે.”રાજુ દર્દી સાહિત્યમર્મજ્ઞ થઇ ગયો!

“રાજુ, હું તમારું કહેવાનું ન સમજ્યો. એકઝેટલી તમે શું ચાહો છો?”હું ખરેખર ઉત્તરાયણ સમયે ફિરકીના દોરા ગુંચવાઇ જાય તેમ હું ગુંચવાઇ ગયો! “ડોક. મને ક્રિકેટરિયા થયો છે! “રાજુ દર્દીએ બીમારીનું સ્વસોંગદનામા કે સ્વઘોષણા જેમ સ્વરોગનિદાન કર્યું! “વોટ ? વોટ? વોટ યુ હેવ સ્ટેટેડ? “મેં આશ્ચર્યનાં આફટરશોક આત્મસાત કર્યા. “યેસ ડોક. મેં જે કહ્યું એ રોગ મને થયો છે!”રાજુએ પુનરોચ્ચાર કર્યો!!

“રાજુભાઇ, હું એમ.એસ. અને એમ.ડી. થયો છું. મેલેરિયા,ફાઇલેરિયા( તમે સમજો એવો ફાઇલ ચલાવતા થયેલ રોગ નહીં!! પરંતુ,હાથીપગા નામનો રોગ. જેમાં દર્દીનો પગ થાંભલા જેવો થઇ જાય!) યંગસ્ટરોને લવેરિયા થાય એવું પણ સાંભળ્યું છે. પણ ક્રિકેટરીયા રોગ વિશે હેપોક્ર્ટસ કે બીજા તજજ્ઞોએ પ્રકાશ કે અંધકાર રેલાવ્યો નથી!!મેડીકલના કોઇ સબ્જેકટમાં કે બુકમાં આવો રોગ, લક્ષણો, ઉત્પત્તિ , ઉપચાર દર્શાવેલા નથી!ઇટસ ઇમ્પોસિબલ !!”આવું કહી મેં માથું ધુણાવ્યું!!’

“ડોક.આજકાલ ક્રિકેટ વર્લ્ર્ડ કપ ચાલે છે. હું જબલપુરમાં રહું છું. ભારત પાકની મેચની ટિકિટ લાખ રૂપિયા ખર્ચી કાળા બજારમાંથી લીધી છે. તકનો લાભ લેવા હોટલોને રૂમના ભાડા ડબલ, ટ્રિપલ,  કે ડુપ્લીકેટ કરી નાંખ્યા છે. મોંઘા ભાવના હોટલ રૂમના ભાડા ચૂકવું એના કરતા તમારી હોસ્પિટલમાં આઉટ ડોર પેશન્ટ તરીકે એડમિટ થઇ ડિલકસ રૂમનું ભાડું આપું તો પણ ફાયદાકારક સોદો થાય!! મેચ પૂરી થાય એટલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઇ લઇશ!”રાજુએ સિક્રેટ પ્લાન શેર કર્યો!! હકીકતની હકીકતનું હાર્દ સમજી મેં રાજુ દર્દીનો આઉટડોર પેશન્ટનો કેસ કાઢી તેને બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરી ડિલકસ રૂમ ફાળવી આપ્યો!!
તરક્શ / ભરત વૈષ્ણવ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top