Business

 શિક્ષકો કે શૈક્ષણિક મંડળોએ શા માટે માંગવુ પડે?

શું શિક્ષક એટલો નમાયો,પાંગળો કે દીન છે કે પોતાનાં હક્કનું મેળવવા માટે પણ વારંવાર માંગણીઓ કરતાં રહેવું પડે?ના, નથી જ!શું એ મંદિરમાં લટકાવેલ ઘંટ છે કે,જે ને તે આવે ને વગાડે?ના, કદાપિ નહીં.ભારત સિવાયના ઘણાં દેશો છે જયાં શિક્ષકને જે સ્થાન છે,માન છે તે અન્ય ને નથી. આપણે ત્યાં શિક્ષક માટે સમાજ ,નેતાઓ કે અધિકારીઓને જોઈએ તેટલું માન નથી.(અપવાદ સિવાય) જાપાનમાં શિક્ષક ને બસમાં ઊભેલો જોતાં વૃદ્ધ પણ સીટ પરથી ઊભા થઈ જગ્યા આપે છે.એ જગ્યા નથી આપતાં પણ પ્રતિભાવંત શિક્ષકને સન્માન આપે છે.

કાળી પટ્ટી, કાળા કપડાં પહેરીને પણ કામ કરીએ જ છીએ તો વિરોધનો શું અર્થ? કરીએ છીએ તેનાં કરતાં વધારે કલાક કામ કરી સમાજને,શિક્ષણ વિભાગને, નેતાઓ ને કર્મઠતાનું ઉદાહરણ પૂરું પાડી ,સમાજને જગાડે તો શિક્ષક! નઝીર દેખૈયાની ગઝલનો શેર છે, “હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.”કેટલાક શિક્ષકો કહેશે,”માંગ્યા વગર મા પણ ન પિરસે.” સાચી વાત,પણ પીરસનાર ‘મા’ છે, મા ને તો એક નજરમાં જ ખ્યાલ આવી જાય છે કે સંતાનને શું જોઈએ છે? માંગવાની જરૂર જ નથી રહેતી.શું સરકારને ખબર નથી?  ઈલેકશન હોય કે વસ્તી ગણતરી હોય, સફાઈ ઝુંબેશથી લઈ અનેક સામાજિક કે શૈક્ષણિક કામગીરી નિષ્ઠાપૂર્વક શિક્ષક બજાવે જ છે.

દાઢીની દાઢી ને સાવરણી ની સાવરણી!બાળકોને “કામચોરી સૌથી મોટું પાપ છે” એમ શીખવનાર કયાં કામચોરી કે કરચોરી કરે છે?એમ.એલ.એ કે એમ. પી.ને ચૂંટાઈ ગયા બાદ પેન્શન મળે( ભલે મળે, વિરોધ નથી – ગુજરાતઅપવાદ) પણ, શિક્ષકોને? મળતું હતું તે પણ???? સાત કોઠા વીંધીને શિક્ષક (પરીક્ષાઓ આપે) સજ્જતા કેળવે અને નોકરી ફીક્સ પગારની!શિક્ષકને પરિવાર હોય છે તે કેમ ભૂલાય જાય છે? સમાજ નો એક પણ આગેવાન, મિડિયા કે નેતા શિક્ષકો માટે બોલવા તૈયાર નથી. બાળકોને ઘડનાર, શિસ્ત, સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ આપી રાષ્ટ્રને સારા નાગરિકોની ભેટ આપનાર શિક્ષકોની જ ઉપેક્ષા કેમ?
સુરત     -અરૂણ પંડયા .-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top