Charchapatra

હવે સુરતમાં ‘વિકાસ’ કરતા ‘વ્યવસ્થાપન’ને પ્રાધાન્ય આપો

સુરતમાં ૧૯૯૪માં પ્લેગ મહામારી આવી ત્યારે સુરત ખાલી થઈ ગયું હતું. સુરતમાં ફક્ત મૂળ સુરતીઓ બચ્યાં હતાં. આપત્તિને અવસરમાં બદલનાર સુરતીઓ ફરી બેઠાં થઈ ગયાં હતાં. ત્યારથી વિકાસના નવા યુગનાં મંડાણ થયાં હતાં. મુઠ્ઠીભર સુરત વિશાળ થઈ ગયું. જમીન ટોચમર્યાદા કાયદો રદ થવાના કારણે સુરતની આજુબાજુ વિસ્તારની ખેતીની જમીનો પર સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો ઊભાં થઇ ગયાં. સુરતમાં સેંકડો નવા રસ્તાઓ, ફલાય ઓવરબ્રીજ બની ગયા. તાપી નદી પર બે પુલ હતા, ત્યાં સેંકડો પુલોના નિર્માણના કારણે બારેમાસી તાપી નદી એક બેટમાં પરિવર્તિત થઈ ગઈ. આઠ લાખની વસ્તીવાળું સુરત એંસી લાખને પાર કરી ગયું.

વસ્તી વધવાના કારણે વાહનોની સંખ્યામાં વધારો થયો. મોટા રસ્તાઓ અને ફ્લાયઓવર બ્રિજ હોવા છતાં સુરતની ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી છે. આજે સુરતમાં પ્રાથમિક સુવિધાઓ દરેક ખૂણામાં પહોંચી છે. હવે આવનારા દિવસોમાં જાળવણી પાછળ કરોડો રૂપિયાની જરૂર પડશે. સુરતના વિકાસમાં જકાતની આવકનો સિંહફાળો હતો. હવે વિકાસ નામના બાળકને ઉછેરવા વેરાવધારો કરવો એ પાલિકાનો મુખ્ય એજન્ડા રહ્યો છે. સુરતમાં રસ્તા પર અતિક્રમણ, પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓ રોજની થઈ ગઈ છે. એક છેડેથી બીજા છેડા પર પહોંચવા નવ નેજાં પાણી ઊતરે છે.

સુરતમાં ‘વિકાસ’નો મહારાજા મેટ્રો પ્રોજેકટના નિર્માણને કારણે સુવિધા પહેલાં સુરતીઓ માટે રસ્તા પર નીકળવું મુશ્કેલ કરી દીધું છે. હવે મનપાના પ્રશાસને વ્યવસ્થાપન પર ધ્યાન આપવું જરૂરી છે. સુરતના વિકાસનાં કામો કરતાં સામાન્ય નાગરિકોનું જીવન સુખાકારી બને એ સમયની માંગ છે. શહેર વિકાસ ખાતું અને દબાણ ખાતાના અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઇએ. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ તંત્રે સંકલન કરી વ્યવસ્થાપન ગોઠવવું જોઈએ. સુરતના વ્યવસ્થાપન માટે પ્રબુદ્ધ નાગરિકોની એક કમિટી બનાવવી જોઈએ.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top