ફ્લોરિડા(Florida) : અમેરિકાના (America) ફ્લોરિડા રાજ્યના પશ્ચિમ કાંઠે બુધવારે ઇડાલિયા (Idalia Storm) નામનું વાવાઝોડું કેટેગરી-3ના ભયંકર તોફાન તરીકે ત્રાટક્યું હતું. આ વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા બે જણાનાં મોત નિપજ્યા હોવાના અને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.
હરિકેન ઇડાલીયા સ્થાનિક સમય પ્રમાણે બુધવારે સવારે 7.45 વાગ્યે ફ્લોરિડાના કીટોન બીચ ખાતેના બિગ બેન્ડમાં જમીનને સ્પર્શ્યું હતું અને તેને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા બેનાં મોત થયા છે. ફ્લોરિડાના દરિયાકાંઠેના જોખમ ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને આ વાવાઝોડું ધ્યાનમાં લઇને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઇ હતી.
તે જ્યાં ત્રાટક્યું છે તે બિગ બેન્ડ વિસ્તારમાં આ પહેલા આવું કોઇ મોટું વાવાઝોડું ત્રાટક્યું હોવાનું નોંધાયું નથી. આ વાવાઝોડું જ્યાં ત્રાટક્યું ત્યાંની બહાર આવેલી તસવીરો ભારે નુકસાન થયું હોવાનું સૂચવે છે. એક મકાન તો ઢીંગલીઘરની જેમ તૂટી પડેલું દેખાતું હતું. આ વાવાઝોડું બાદમાં ઉત્તરપશ્ચિમ તરફ અંદરના વિસ્તારો તરફ આગળ વધ્યું હતું જે થોડું મંદ પડી ગયું હતું અને તેને કેટેગરી ૧નું તોફાન તરીકે ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું.
જો કે આમ છતાં તે કલાકના 85 માઇલની ઝડપના પવન સાથે જ્યોર્જિયા તરફ આગળ વધી રહ્યું હતું. અને જ્યાંથી તે પસાર થયું ત્યાં વિનાશના દ્રશ્યો છોડી ગયું છે. એક મકાનનું આખું છાપરું ઉડી ગયું હતું તો કેટલાક મકાનોનો સામાન વેરવિખેર પડેલો જોઇ શકાતો હતો. સખત પવનને કારણે વૃક્ષો પણ તૂટી પડ્યા હતા. આ વાવાઝોડાની સાથે ભારે વરસાદ પણ પડયો હતો. કેટલાક વિસ્તારોમાં તો કલાકના ૩થી પ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો અને પૂરની સ્થિતિ સર્જાઇ હતી.
205 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનના લીધે ઘણા રાજ્યોમાં આર્થિક નુકસાન
ઇડાલિયા વાવાઝોડું ફ્લોરિડા અને જ્યોર્જિયા સહિત અમેરિકાના ઘણા રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. 205 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા જોરદાર પવનને કારણે ઘણા રાજ્યોમાં આર્થિક નુકસાન થયું છે. મકાનોની છતો ઉડી જવાના અહેવાલો પણ છે અને કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈને રસ્તાઓ પર આવી ગયા છે.
ફ્લાઈટને પણ અસર થઈ હતી
આ સાથે ઈલાડિયા વાવાઝોડાએ દરિયામાં બોટોની દિશા પણ બદલી નાખી હતી. બીજી તરફ તોફાનના કારણે અમેરિકાની 1000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈડાલિયા હવે નબળી પડી રહી છે. આ હોવા છતાં તે હજુ પણ ખતરનાક છે.