પારડી: (Pardi) પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામે રિક્ષામાં સુરત-નવસારીની (Surat Navsari) મહિલાઓને દારૂની (Alcohol) હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડી હતી. પારડી પીઆઇ બી.જે. સરવૈયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પારડીથી ચીવલ તરફ જતા રોડ ઉપર મોટાવાઘછીપા ગામે રિક્ષા આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 266 જેની કિં.રૂ. 30 હજારનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રિક્ષા ચાલક સરફરાજ શૌકત ભઠ્ઠીવાલા (રહે.વલસાડ કોસંબા રોડ)ને ઝડપી પાડી દારૂ લઈ જતી મહિલા મંગીબેન રમણ વસાવા (રહે સુરત), રજનીકૌર કાલુસિંગ લબાણા (રહે નવસારી), નયના ચંદ્રકાંત રાણા અને પુષ્પા મુકેશ સોલંકી (બંને રહે.સુરત) સહિત ચારે મહિલાઓ અને ચાલક સહિત પાંચની ધરપકડ કરી હતી. રિક્ષા સહિત કુલ રૂ.40,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પારડી નજીકથી ટ્રકમાં રૂપિયા 2.64 લાખના દારૂની હેરાફેરી કરતો ચાલક ઝડપાયો
પારડી : પારડી ચીવલ રોડ નાનાપોંઢાથી ધરમપુર જતા રોડ ઉપર પારડી પોલીસની ટીમને સેલવાસથી દારૂ ભરી હેરાફેરી કરતા હોવાની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક આવતા પોલીસે રોકી તપાસ કરતા તાડપત્રીની આડમાં દારૂના બોક્ષ નંગ 62 અને બોટલ નંગ 1908 જેની કિં.રૂ.2.64 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક ધર્મેશ ગમન પટેલ (રહે.વાંસદા)ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા અક્ષય દિનેશ પટેલ (રહે.ધરમપુર)એ સેલવાસથી દારૂનો જથ્થો ભરાવી પોતે બાઈક ઉપર પાયલોટીંગ કરતાં પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. દારૂનો જથ્થો, ટ્રક, સહિત કુલ રૂ. 12.64 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.