નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઇ હાલ ક્યાં છે ? તે પોલીસને પણ ખ્યાલ નથી. પરંતુ સંજય દેસાઇ આણીમંડળીએ ચકલાસીમાં અગાઉ એક જમીનમાં કૌભાંડ આચર્યું હોવાનું ખેડૂતોએ મામલતદારને રજુઆત કરતા વાંધા અરજી આપતાં ચકચાર મચી ગઈ છે. જે ખેડૂતને છેલ્લા 40 વર્ષથી કોઇએ જોયા નથી, તેનો અચાનક પાવર ઓફ એટર્ની રજુ કરી સંજય દેસાઇ તથા તેના ભાઈએ જમીન ખરીદી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે તંત્ર ફરી તપાસમાં જોતરાયું છે.
ચકલાસી સીમના બ્લોક સર્વે નં.572 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ 9મી જૂન,2023ના રોજ થયો છે. આ જમીનના મુળ માલિક દિનબંધુ ઇશ્વરભાઈ પટેલ હાલ ક્યાં છે ? ક્યાં રહે છે ? જેનો કોઇ જ અત્તો પત્તો નથી. જેઓ જીવીત છે કે કેમ ? તે પણ હજુ પ્રશ્નાર્થ છે. છેલ્લા 40 વર્ષથી કોઇ જાણતું નથી. બીજી તરફ બોગસ દસ્તાવેજો થકી નોટરી તરીકે પારૂલ ડી. દવે સમક્ષ પાવર એટર્ની ઉભો કર્યો છે.
બાદમાં પાવર લેનાર નગીનભાઈ મણીભાઈ પટેલે આ બનાવટી અને ખોટા પાવર આધારે નડિયાદ સબ રજીસ્ટરમાં વેચાણ દસ્તાવેજ 9મી જૂન,2023ના રોજ કર્યો છે. જે જમીન સંજય ભાસ્કરભાઈ દેસાઇ, અતુલ ભાસ્કરભાઈ દેસાઇ (રહે. ઉત્કર્ષ સોસાયટી, નડિયાદ)એ જમીન ખરીદી છે. જેમાં સાક્ષી તરીકે હેતુલ અશ્વીનભાઈ પટેલ, શેહબાજ નાસીરમીયા મલેકે સહી કરી છે. આમ, ખોટા પાવર ઓફ એટર્ની આધારે થયેલા વેચાણ દસ્તાવેજ સામે ખેડૂતોએ સખ્ત વિરોધ ઉઠાવ્યો હતો અને આ અંગે વાંધા અરજી આપવામાં આવી છે.
ઉત્તરસંડામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ ભૂમાફિયા સક્રિય બન્યાં
આણંદ અને નડિયાદ વચ્ચે ઉત્તરસંડા ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. આ સ્ટેશન ચરોતર માટે મહત્વપૂર્ણ બન્યું છે. હાલ આ સ્ટેશનની આસપાસ ઉત્તરસંડા, ચકલાસી, ભૂમેલ સહિતના ગામોમાં જમીન ખરીદ – વેચાણમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ભૂમાફિયાઓ સક્રિય થયાં છે. આગામી દિવસોમાં વધુ કેટલાક જમીનના કૌભાંડો બહાર આવે તેવી શક્યતા રહેલી છે.