દિલ્હી: દિલ્હીમાં (Delhi) ચારેબાજુ મેઘ મહેરનો (Monsoon) કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ જળબંબાકાર થઇ ગયા છે. લોકોને વાહન પરિવહન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં યમુના નદીના (Yamuna River) જળસ્તરમાં થતા સતત વધારાને કારણે સીએમ અરવિંદ કાજરીવાલ (CM Arvind Kejriwal) ચિંતામાં મૂકાયા છે. આ મુદ્દે તેમણે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે. એટલું જ નહિ દિલ્હીમાં પૂરગ્રસ્ત (Flood) વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર વધીને 207.25 મીટર સુધી પહોંચી ગયું છે. યમુના નદીના જળસ્તરની આ સ્થિતિ 44 વર્ષ બાદ સર્જાઇ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુનાના સતત વધી રહેલા જળ સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે આ અંગે ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે અને રાજધાનીમાં યોજાનારી જી-20 સમિટને ટાંક્યો છે.
તમામ રાજ્યોની સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર: કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યુ છે કે તેઓ કેન્દ્રીય જળ આયોગના સંપર્કમાં છે અને એવી અપેક્ષા છે કે પૂર જેવી સ્થિતિ ઊભી થશે નહીં. આ સમય એકબીજા સામે આંગળી ચીંધવાનો નથી. લોકોને રાહત આપવા માટે તમામ રાજ્યોની સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે. દિલ્હીના PWD મંત્રી આતિશીએ કહ્યું હતું કે મંગળવારે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર જશે. તેમણે કહ્યું કે જો પાણીનું સ્તર આ રીતે વધતું રહેશે તો વિભાગ ચેતવણી જારી કરશે. સંબંધિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને તેમની સેક્ટર સમિતિઓ આ કાર્ય માટે સતર્ક છે અને સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ, દિલ્હી પોલીસ, દિલ્હી જલ બોર્ડ, દિલ્હી શહેરી આશ્રય સુધારણા બોર્ડ અને અન્ય સંસ્થાઓ કામ કરી રહી છે.
યમુના નદીએ મુશ્કેલીઓ વધારી, લોકો માટે 2700 ટેન્ટ બનાવાયા
યમુના બજાર અને મઠ સહિત કાંઠે આવેલી ઘણી વસાહતો પાણીથી તરબોળ થઈ ગઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાદરની ઝૂંપડપટ્ટીમાંથી લગભગ 27 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. તેમના માટે રાહત શિબિરો ગોઠવવામાં આવી છે. દિલ્હી સરકારના વિકાસ મંત્રી ગોપાલ રાયના જણાવ્યા અનુસાર દિલ્હીના 6 જિલ્લામાં અસરગ્રસ્ત લોકો માટે લગભગ 2700 ટેન્ટ બનાવવામાં આવ્યા છે. આ ટેન્ટમાં રહેવા માટે અત્યાર સુધીમાં 27,000 લોકોએ નોંધણી કરાવી છે. હાલમાં 126 લોકો રાજઘાટ ડીટીસી ડેપોમાં સ્થાપિત રાહત શિબિરોમાં રહે છે. પૂર્વ જિલ્લામાં સૌથી વધુ 1700 ટેન્ટ લગાવવામાં આવ્યા છે, જ્યારે ઉત્તર પૂર્વ અને દક્ષિણમાં 150 થી 200 ટેન્ટ લગાવવામાં આવ્યા છે. તે જ સમયે, રાહત અને બચાવ કાર્ય માટે 45 બોટ તૈનાત કરવામાં આવી છે.
વરસાદી પાણીને કારણે સાપ અને વીંછીનું જોખમ
મયુર વિહાર સબ-ડિવિઝનના તહસીલદાર વિનોદ કુમાર સિંહે જણાવ્યું કે જ્યારે રાત્રે ઊંચા અને સૂકી જગ્યાએ પાણી વધવા લાગ્યું ત્યારે સાપ અને વીંછી બહાર આવવા લાગ્યા. લોકોને તેમના ઘરની નજીક જઈને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે હવે તેમના માટે તરાઈ વિસ્તારમાં રહેવું સુરક્ષિત નથી. પૂરના જોખમની સાથે સાપ અને વીંછી પણ લોકોના જીવ માટે જોખમી બની શકે છે.