સંતરામપુર : સંતરામપુરથી સાંગાવાડનો રોડનું હાલમાં જ નવિનીકરણ કરાયું છે. પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે પાણી રસ્તા પર જ ભરાઇ રહેવાના કારણે આ રસ્તો ધોવાઇ જવાનો ભય ઉભો થયો છે. આ અંગે તાત્કાલિક વ્યવસ્થા કરવા માગણી ઉઠી છે.
સંતરામપુર પીડબ્લ્યુડી હસ્તકનો સંતરામપુરથી સાંગાવાડા સુધીનો બે કિલોમીટરના રોડની કામગીરીમાં કોન્ટ્રાકટરે લાપરવાહી ભરી કામગીરી કરતા પ્રતાપુરામાં વરસાદી પાણી ભરાવવાનો ભય ઊભો થયો છે. સાંગાવાડા ગામે રોડ ઉપર આવતું વરસાદી પાણીનો પણ યોગ્ય નિકાલ ન કરતા તેમ જ તેને જ લઈને પાણીનો પણ નિકાલ ન કરતા નવીન બનેલો રોડ તૂટી જવાની સંભાવના ઊભી થઈ છે.
સંતરામપુરથી સાંગાવાડા સુધીના બે કિલોમીટર સુધી રોડ પહોળો કરી ડબલ લેન કરવાની કામગીરી રૂપિયા 3 કરોડના ખર્ચે હાથ ધરાઈ હતી. નગરપાલિકા સંતરામપુરના પ્રતાપપુરા સર્કલથી શહેરી વિસ્તાર સુધી ડિવાઇડર સાથેની કામગીરી કરવાની હતી. તે પણ કામગીરી અધૂરી છે તેમજ શહેરી વિસ્તારની હદ સુધી કામગીરી કરવામાં આવી નથી. પ્રતાપપુરા વિસ્તારની જે.એચ. મહેતા સ્કૂલ તેમજ પ્રાથમિક શાળામાં વરસાદી પાણીનું યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં થવાથી પાણી ભરાવાની સંભાવના ઊભી થઈ છે. ડ્રેનેજની કામગીરી અધુરી રાખવામાં આવી છે.
ગજા સિનેમા પાસેના કોતરને પણ રોડ પહોળો કરવાના કારણે પુરાણ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થશે નહી. જેથી પ્રતાપપુરા વિસ્તારમાં અને શાળાઓમાં પાણી ભરાવાની સંભાવના ઊભી થઈ છે. સાંગાવાડા ગામે સાંગાવાડા ગામની ડેટ લઈને પણ યોગ્ય રીતે કરવામાં આવી નથી. તેમ જ વરસાદી પાણીનો પણ નિકાલ કરવામાં આવ્યો નથી. આ રોડ કરવાની કામગીરી પણ પ્લાન, એસ્ટીમેન્ટ આધારિત કરવામાં નહીં આવતા ખેડૂતે જાતે જ માટીનું પુરાણ કરીને વરસાદી પાણીનો નિકાલ કરવો પડ્યો છે. જેની સામે જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.