અમદાવાદ: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં રંગેચંગે 146મી જગન્નાથ યાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા સવારે જમાલપુર પગથિયાથી આગળ વધી કોર્પોરેશન તરફ પહોંચી હતી. ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ભેગી થઈ છે. સરસપુરમાં હરિહરનો સાદ પડતા જ ભક્તોની પ્રસાદ લેવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. ભગવાનના મોસાળમાં મહિલાઓ ભજનની રમઝટ બોલાવી રહી છે. ભાણેજને આવકારવા સરસપુર ભક્તિમય વાતાવરણમાં લીન બન્યું છે.
સવારે 4 વાગ્યે કપાટ ખૂલ્યા
વહેલી સવારે ભગવાનના કપાટ ખૂલ્યા હતા ત્યાર બાદ સવારે 4:00 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરાઈ હતી. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ ફરી 4: 17એ ભગવાનના કપાટ બંધ કરી દેવાયા હતા અને ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરાઈ હતી. 4:23એ અમિત શાહ જગન્નાથ મંદિરથી રવાના થયા હતા. તે પછી 4:30 કલાકે ભગવાનના આંખેથી પાટા ખોલતાની સાથે જ ભક્તોએ દર્શન કર્યા હતા અને જય રણછોડ માખણ ચોરના નાદ પોકાર્યા હતા. બાદમાં 4:44 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવાયો હતો. આ સમયે જગન્નાથ મંદિરના દ્વારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
સવારે 5 કલાકે રથયાત્રાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
ભોગ ધરાવાયા બાદ સવારે 5:30 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવ્યા હતા. પ્રભુ રથમાં બિરાજમાન થયા તેની 5 મિનિટ બાદ બહેન સુભદ્રાજીને પણ રથમાં બેસાડવામાં આવ્યા હતા. ભાઈ બલરામને સવારે 5:50 કલાકે રથમાં બેસાડવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 6:45 જગન્નાથ મંદિર આવ્યા હતા અને ત્યાર બાદ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
સવારના 7 વાગ્યે ભગવાન જગન્નાથનો પહેલો રથ નિજ મંદિરની બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ 7:05 વાગ્યે બહેન સુભદ્રાજીનો અને આખરે ભાઈ બલરામનો રથ નિજ મંદિરની બહાર આવ્યો હતો. રથયાત્રા ગજરાજ સાથે રવાના થઈ હતી. રથયાત્રા 7:40 વાગ્યે જમાલપુર પગથિયા પહોંચી હતી.