ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં યુવાનો દુનિયાના વિકસિત દેશોમાં જવા થનગને છે. રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીએ ભલે લખ્યું કે ‘અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!’ પણ આ અણદીઠેલી ભોજ, અણજાણી નથી હોતી. ‘ત્યાં ખૂબ રૂપિયા કમાઇ શકાય છે’ તેવી કાલ્પનિક પણ મજબૂત મહત્ત્વાકાંક્ષા સર્જતી વાત આ સૌ પાસે પહોંચી ગઇ હોય છે!
‘વિદેશમાં જવું!’ એ વાત હવે થોડી વિસ્તરવા માંડી છે.
એટલે ‘અમેરિકા જવું’ એવું નક્કી થવા લાગ્યું છે અને તેમાંય ‘કોઇ પણ ભોગે જવું!’ નું ગાંડપણ તો માનવજીવનની હાનિ કરવા લાગ્યું છે. કેનેડા કે મેકિસકો સરહદેથી અમેરિકામાં ગેરકાયદે ઘુસતાં ભારતીયોના સમાચાર જોઇએ, વિડિયો જોઇએ ત્યારે દુ:ખ થાય છે. ભારે આઘાત લાગે છે! વિદેશમાં જવું એક વાત છે. કોઇ પણ ભોગે વિદેશમાં જવું તે બીજી વાત છે અને કાંઇ પણ કરીને અમેરિકામાં જ જવું તે તો સાવ માનસિક બિમારીની કક્ષા છે.
ઉદારીકરણ અને ખાનગીકરણનાં ત્રીસ વર્ષ પછીની આ સામાજિક-માનસિક, આર્થિક પરિબળો દ્વારા ઊભી થયેલી અસરો છે. ભારતના મધ્યમ વર્ગમાં આ અસર મોટી છે. પૈસા કમાવાની લાલચમાં ખૂબ પૈસા ખર્ચાય છે! સાંભળવા મળે છે કે લોકો કરોડ બે કરોડ ખર્ચીને પણ કેનેડા-અમેરિકામાં સેટ થવા માંગે છે! આવડત હોય તો બે ત્રણ કરોડમાં તો દેશમાં જ સારો વેપાર ધંધો થાય! પણ ના, આ ઉપદેશ વાસ્તવમાં સરળ નથી લાગતો ઘણાને! દેશમાંથી યુવાધન વિદેશમાં જઇ રહ્યું છે ત્યારે તેનાં કારણોની ગંભીરતાપૂર્વક કયાંય ચર્ચા થતી નથી. એ પરિબળો પર ધ્યાન આપવું જોઇએ, જે આંતરરાષ્ટ્રિય સ્થળાંતર માટે જવાબદાર છે.
આવક અને રોજગારી માટેનું સ્થળાંતર દેશમાં હોય કે વિદેશમાં તેને અસર કરતાં પરિબળોને બે ભાગમાં વહેંચી શકાય.
એક તો જયાં રહે છે. ત્યાંથી ધક્કો મારનારાં પરિબળો અને બીજાં જયાં જવું છે ત્યાં આકર્ષનારાં પરિબળો! ગામડેથી શહેર તરફ દોડતાં યુવાનોને ગામડું ખાવા દોડે છે. પાયાની સુવિધાઓનો અભાવ, સામાજિક બંધનો અને રૂઢિવાદી માનસિકતા તેને ગુંગળાવે છે તો શહેરની ઝાકમઝોળ, ઊંચા વેતનની આશા, ભૌતિક સુવિધાઓ તેને આકર્ષે છે. બસ આ જ રીતે ભારતમાં વેતનદર નીચા, આર્થિક શોષણ, ઉંમરમાં મોટા લોકો યુવા શકિતને મૌલિક સ્વતંત્રતા ન આપે, વિકસવાની તક ન આપે. ગૂઢ અને પરંપરાવાદી સામાજિક માળખું શિક્ષિત, યુવા વર્ગને ધક્કો મારે છે.
જયારે કાયદાનું શાસન, ઓછી વસ્તી, કાયદામાન્ય વેતન, હુંડિયામણ દરના તફાવતને કારણે ઉદભવતી ઊંચી આવક અને સામાજિક શાંતિ વિકસિત દેશો તરફ યુવાનોને આકર્ષે છે. ‘ભારતીયો વિદેશમાં જઇને જે મહેનત કરે છે તે જ ભારતમાં કરે તો દેશ કેટલો આગળ આવે!’ આ વાત આમ તો એક ને એક બે જેવી છે! પણ આ વિદેશમાં જઇને કામ કરતાં યુવાનો પાછાં વાળીએ તે પહેલાં અહીંયા વિવિધ રાજકીય, સામાજિક, આર્થિક સંસ્થાઓ પર અડ્ડો જમાવી બેઠેલાં વયસ્કોને પૂછો કે તમે તેજ તરાર યુવાનોને આ સત્તા સોંપવા માંગો છો? ભારતીય સંસ્કૃતિમાં ભલે લખવામાં આવ્યું હોય કે ‘જ્ઞાન વૃદ્ધિ’ હોય તે જ યોગ્યતાનો ખરો માપદંડ છે. પણ આપણે ‘વર્ષવૃદ્ધો’થી ઘેરાયેલા છીએ!
આપણે આ લેખમાળામાં અનેક વાર લખી ગયા છીએ કે ભારતમાં યોગ્ય-સન્માનજનક વેતનદરનો કાયદો અત્યંત જરૂરી છે. ભારતમાં ખાનગીકરણને કારણે શાળાઓ, કોલેજો, બેન્કો, ચેનલો, રોજગારીનાં કેટકેટલાં ક્ષેત્રો વધ્યાં છે. તમામની સંખ્યા અને તેમાં કામ કરતાં લોકોની સંખ્યા વધી છે. પણ આ શાળા, કોલેજો, ચેનલો, બેંકોમાં કામ કરતાં યુવાનોને લઘુતમ વેતન જેટલું પણ વેતન મળતું નથી. આની સામે વિદેશોમાં શ્રમિકો, સેવકો, ડ્રાઈવરોને ઊંચું વેતન તો મળે જ છે પણ હુંડિયામણ દરના તફાવતને કારણે આ વેતન ભારતના ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોની આવક જેટલું થઇ જાય છે. વિદેશ માટેના આકર્ષણનું સૌથી મોટું કારણ આર્થિક છે! વિદેશી હુંડિયામણનો તફાવત એ આંતરરાષ્ટ્રીય આર્થિક રાજનીતિનો મોટો મુદ્દો છે. એક દેશની સરકાર તેના પર સીધી અસર કરી શકાતી નથી. એટલે ભારતનો શ્રમિક દિવસના 600 રૂપિયા કમાય તેની સામે અમેરિકામાં દસ ડોલર કમાય એટલે સરખું થઇ જાય! તેમાં સરકાર શું કરે! પણ ભારતના શ્રમિકને 600 રૂપિયા પણ દિવસના ન મળે! એવું થાય ત્યારે તો તે જરૂર કાંઇક કરી શકે?
જેમ ગામડાનું સામાજિક રૂઢીચુસ્ત માળખું યુવાનોને ગુંગળાવે છે તેમ દેશનું સામાજિક ધાર્મિક માળખું પણ તેને વિદેશની તુલનામાં ગૂંગળાવે છે? આપણે આ અંગે પણ વિચાર કરવો પડશે? દેશમાં પચાસ વટાવી ચૂકેલા, વડીલની ભૂમિકામાં આવેલા લોકોએ બીજાને નહીં, પોતાના ઘરનાં બાળકોને જ પૂછવા જેવું છે કે દેશના વર્તમાન વૈચારિક સામાજિક માહોલથી તું ખુશ છે! આપણે વિચારવું પડશે. આમ તો એકસો ચાલીસ કરોડની વસ્તીમાંથી એક કરોડ ચાલીસ લાખ લોકો વિદેશ જાય તો પણ તે કુલ વસ્તીનો એક ટકો જ થાય!પણ દેશ ધીમે ધીમે ઘરડો થતો જાય છે. ભણેલા, યુવાનો, કામ કરે તેવા લોકો પરદેશ જશે તો દેશમાં ઘરડાઓ, અર્ધદગ્ધ લોકો અને પરંપરામાં જીવતાં લોકો જ રહેશે! માટે વિદેશ જતા યુવા ધનને રોકવા નિસ્બતપૂર્વકના પ્રયત્ન કરવા જ પડશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે