બારડોલી: (Bardoli) બારડોલીમાં ફરી એક વખત તસ્કર (Thief) ટોળકી સક્રિય થઈ ગઈ છે. મંગળવારે મળસકે કડોદ રોડ પર આવેલી નેચર વિલા સોસાયટીમાં ચડ્ડી બનિયનધારી તસ્કરો ચોરી (Theft) કરવાના ઇરાદે ધસી આવ્યા હતા. જો કે સોસાયટીના રહીશો જાગી જતાં તસ્કરો પાછળ ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યા હતા. જેના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યાં છે.
- બારડોલીની નેચર વિલા સોસાયટીમાં ઘૂસેલા ચડ્ડી બનિયનધારી તસ્કરોને લોકોએ ભગાડ્યા
- લોકોની સતર્કતાને કારણે ચોરીની મોટી ઘટના બનતી અટકી ગઈ
લાંબા સમય બાદ બારડોલી ટાઉન પોલીસમથક વિસ્તારમાં તસ્કરો સક્રિય થયા છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન ચોરીની અનેક ઘટનાઓએ પોલીસને નાકે દમ લાવી દીધો હતો. કડોદ રોડ અને આજુબાજુ આવેલી સોસાયટીમાં ચોરોએ તરખાટ મચાવ્યો હતો. જેને કારણે પોલીસ ઉપરાંત લોકોએ સોસાયટી અને શેરીઓમાં પહેરેદારી કરતાં ચોરીની ઘટનાઓ પર કાબૂમાં આવી ગઈ હતી. જો કે, હવે ધીમે ધીમે ફરીથી તસ્કરો સક્રિય બની રહ્યા છે.
મંગળવારે મળસકે નેચરવિલા સોસાયટીમાં કેટલાક ચડ્ડી બનિયનધારી ચોરો આવી ચઢ્યા હતા. મળસકે ત્રણેક વાગ્યાની આસપાસ પાણી પીવા માટે ઊઠેલી એક વ્યક્તિને બહાર કઈક હલચલ જણાતાં તેમણે તાત્કાલિક સોસાયટીના પ્રમુખને ફોન કર્યો હતો. જોતજોતામાં સોસાયટીના રહીશો જાગી જતાં તસ્કરો પાછળના ગેટથી ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યા હતા. લોકોની સતર્કતાને કારણે ચોરીની મોટી ઘટના બનતી અટકી ગઈ હતી.
તસ્કરો મોટી ચોરીની ઘટનાને અંજામ આપે એ પહેલા પોલીસ પણ સક્રિય બની રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે એ જરૂરી બની ગયું છે. ગત વર્ષની માફક પોલીસને હંફાવી દેનાર ટોળકી ફરી સક્રિય થાય એ પહેલાં જ તેને ડામી દેવામાં આવે તેવી માંગ ઊઠી છે.