પારડી: (Pardi) પારડી વિશ્રામ હોટલ સામે હાઇવે (Highway) ઉપર દમણથી કારમાં દારૂ (Alcohol) ભરી લઈ જતા ત્રણ ઇસમને કુલ રૂ.3.64 લાખના મુદ્દામાલ સાથે પોલીસે (Police) ઝડપી પાડ્યા હતા. જ્યારે બેને વોન્ટેડ બતાવ્યા હતા. આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણથી દારૂનો જથ્થો સાદ નામના ઇસમે ભરી આપ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.
- પારડી હાઇવે પર હાઈફાઈ કારમાં લઇ જવાતા દારૂ સાથે 3 ઈસમો ઝડપાયા
- આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણથી દારૂનો જથ્થો સાદ નામના ઇસમે ભરી આપ્યો હતો
પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન નેહાનં.48 પારડી વિશ્રામ હોટલ સામે બાતમીવાળી હાઈફાઈ વેન્યુ કાર આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા કારની ડીકીમાં તેમજ સીટની આગળ દારૂની બોટલ નંગ 402 જેની કિં.રૂ. 49, 800 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારચાલક હેમંત ઉર્ફે લાલુ અશોક પટેલ (રહે.ધરમપુર રોડ, અબ્રામા) તેમજ અન્ય કારમાં બેઠેલા અંકિત બચુ નાયકા અને ધર્મેશ ભાણા પટેલ (બંને રહે અટકપારડી વલસાડ)ને ઝડપી પાડ્યા હતા.
આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણથી દારૂનો જથ્થો સાદ નામના ઇસમે ભરી આપ્યો હતો, અને વલસાડ ખાતે નિર્મલાબેન વિનોદભાઈ પટેલ (રહે. અટકપારડી વલસાડ)ને આપવા જવાનો હોવાનું જણાવતા પોલીસે મહિલા સહિત બેને વોન્ટેડ બતાવ્યા હતા. કારની કિં.રૂ.3 લાખ, દારૂ, મોબાઈલ સહિત કુલ રૂ.3,64,800 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપાયેલા ત્રણ આરોપી અને મહિલા સહિત બેને પોલીસે વોન્ટેડ બતાવી વધુ તપાસ હાથ ધરી છે.