અમદાવાદ: સુરતની (Surat) કોર્ટે (Court) ફટકારેલી બે વર્ષની સજા સામે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) રિવિઝન પિટિશન દાખલ કરી છે. આ કેસની આજે પહેલી સુનાવણી (Hearing) હાથ ધરાઈ હતી. રાહુલ ગાંધી તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ (Abhishek Manu Singhvi) કોર્ટમાં દલીલ કરી હતી.
મોદી અટવાળા કેસમાં સિંઘવીએ નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા હાઈકોર્ટમાં રજૂઆત કરતા દલીલ કરી હતી કે દેશમાં 13 કરોડ મોદી છે. કેમ કોઈએ ફરિયાદ કરી નહીં. આ કોઈ ગંભીર ગુનો નથી. રાજકીય કિન્નાખોરી રાખીને ફરિયાદ કરાઈ છે. માફી આપી શકાય તેવો આ ગુનો છે, તેમ છતાં તેને ગંભીર રીતે રજૂ કરવામાં આવ્યો છે.
સિંઘવીએ જસ્ટિસ હેમંત પ્રચ્છક સમક્ષ અનેક મુદ્દા રજૂ કર્યા હતા. સિંઘવીએ કહ્યું કે, વોટ્સએપ કટિંગના આધારે ગુનો બનાવાયો છે, જે બને નહીં. પેઈન ડ્રાઈવ રજૂ કરાઈ હતી તેનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. રેકોર્ડિંગને સમર્થન માટે 65-બી સર્ટિફિકેટ પણ અપાયું નથી. સીડી રજૂ કરાઈતેની રોચક વાર્તા છે. 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો. 2021માં અચાનક સીડી રજૂ કરાઈ. યાજી નામના વ્યક્તિ કે જેઓ પોતાને પૂર્ણેશ મોદીની નજીકના અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા તેમના નામનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. તે અચાનક બે વર્ષ પછી પ્રક્ટ થયા હતા. ફરિયાદ બાદ પુરાવા મામલે કોઈ તપાસ થઈ નથી.
આ સાથે જ સિંઘવીએ નવજોત સિંહ સિદ્ધુના કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ દલીલ કરી હતી કે આવા કેસોમાં 3થી 6 મહિનાની જ સજા હોઈ શકે. એક કે બે વર્ષની સજા વધુ પડતી છે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે નહીં મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખત્મ થઈ શકે છે.
અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, નીરવ મોદી, લલિત મોદી કે વિજય માલ્યા એ કોઈ મોઢ વણિક જ્ઞાતિમાંથી આવતા નથી? તો ફરિયાદીની લાગણી કેવી રીતે દુભાઈ? મોદી સરનેમ અનેક જ્ઞાતિઓમાં આવે છે. ફરિયાદીએ કેવી રીતે નક્કી કર્યુ કે રાહુલ ગાંધીએ તેમના વિશે જ વાત કરી?
સિંઘવીએ રાહુલ ગાંધી વતી કન્વિક્શન પર સ્ટેની માંગ કરી હતી. જેની પર પોણા ત્રણ કલાક દલીલો ચાલી હતી. હવે મંગળવારે સેકન્ડ સિટિંગમાં આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે.