સુરત: ઝાંપાબજાર ખાતે રહેતાં એક ઈમામ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા છે. મુંબઈથી કુરિયર મંગાવ્યા બાદ તેમને એક અજાણ્યા વ્યક્તિએ કોલ કર્યો હતો અને કુરિયર એક્ટિવ કરવા મોકલેલી લિન્ક પર બે રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જે કરતાં બીજા દિવસે ઈમામના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 99,997 ચીટરે ઉડાવી દીધાં હતાં.
મહિધરપુરા ઝાંપા બજારમાં બદ્રી મંઝીલમાં રહેતા 42 વર્ષીય યુસુફ ઝોયેબભાઈ નઝ્મી ઇમામ તરીકે સેવા આપે છે. ગત 25 ફેબ્રુઆરીએ તેમણે મુંબઈથી કુરીયરમાં હેંકરચીફ મંગાવ્યા હતા. 1 માર્ચે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે તિરૂપતી કુરીયરમાંથી બોલતો હોવાનું કહ્યું હતું અને તમારૂં કુરીયર આવી ગયું છે.
ફોન કરનારે તમને વોટ્સએપ પર લીંક મોકલી છે તેના પર 2 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. કુરીયરના એક્ટીવેશન માટે આ પ્રક્રિયા જરૂરી હોવાનું તેણે કહ્યું હતું. વિશ્વાસમાં આવીને ઇમામે આ લીંક ઓપન કરી તેની ઉપર 2 રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં. બાદમાં બીજા દિવસે તેમને સાંજે બેંકમાંથી 44,999 રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો હતો. થોડીવારમાં ફરી 44,999 રૂપિયા મળીને કુલ 99,997 રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કુબેર એક્સ્ચેન્જની લિન્ક પર ગેમ રમાડી અલથાણના યુવક પાસે પૈસા પડાવનાર ટોળકીના વધુ બે ઝડપાયા
સુરત: અલથાણના યુવકને કુબેર એક્સચેંજની લીંક મોકલાવી તેમાં અલગ અલગ ગેમ બતાવી, આમાં કોઇ રૂપિયા આપવાના નથી તેવુ કહ્યાં બાદ 70 લાખની માંગણી કરી, તેનું અપહરણ કરી પટ્ટા તથા લાકડાના ડંડા વડે માર મારી બળજબરીથી 85 હજાર પડાવનાર ટોળકીના વધુ બે આરોપીઓની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.
અલથાણ કેનાલ રોડ પર રઘુવીર સીમ્ફનીમાં રહેતા ૩૨ વર્ષીય અખિલ સંજયભાઇ ભાટીયા પરિવાર સાથે ગત 12મી માર્ચે ગોવા ફરવા ગયા હતા. નિતીન ચુગ, દિપક ચુગ, આઇશા, મુન્ના રાજા, મનીષ કિશન જીવરજાની, ગૌરંગ, સંજયભાઇ, અમીત નથવાણી તથા બીજા અગીયારેક અજાણ્યાઓએ અખિલ પરીવાર સાથે ગોવા ફરવા ગયો હતો, તે વખતે આઇશાએ તેના મોબાઇલમાં એક કુબેર એક્સચેંજની લીંક મંગાવી હતી.
તેમાં અલગ અલગ ગેમ બતાવી આમાં કોઇ રૂપીયા આપવાના નથી. આ ડેમો લીંક હોવાનું કહીને ટાઇમ પાસ માટે ગેમ રમવાનું કહ્યું હતું. જેથી અખિલે તે લીંક મોબાઇલ ફોનમાં ઓપન કરી ટાઇમ પાસ માટે અલગ અલગ ગેમ રમી હતી. આ ગેમ રમવાના બદવામાં અખિલ પાસે 70 લાખની માંગણી કરાઈ હતી. 17 માર્ચે મુન્ના રાજા, મનીષ તથા બીજા એક અજાણ્યાએ સીમાડા નાકા, પટેલ મોટર્સની ગલીમાંથી અખિલને તથા તેના મિત્ર ક્યારવ દરબારને બળજબરીથી સ્કોર્પીયો ગાડીમાં બેસાડી અપહરણ કરી ભટાર વિસ્તારમાં લઇ ગયા હતા.
અખિલ પાસે રૂપિયા માંગતા તેણે આપવાની ના પાડી હતી. જેથી માર મારી ધમકી આપી ન્યુ સીટીલાઇટ ઉપર પપ્પુ ટી સેન્ટર પાસે ઉતારી ગયા હતા. ત્યારબાદ રાતના સાડા અગ્યારેક વાગે સાંઇ કેજી બિલ્ડીંગની સામે, અલથાણ ખાતે નિતીન યુગ તથા દિપક ચુગે પાંચેક અજાણ્યાઓને બોલાવી અખિલના કારીગર ધીરજ, શીવમ તથા ધીરજના માસીના છોકરા સાથે પટ્ટા તથા લાકડાના ડંડા વડે મારા-મારી કરી હતી.
18 માર્ચે મુન્ના રાજાએ અખિલને ઓફીસમાં બોલાવી ખિસ્સામાંથી બળજબરીથી 35 હજાર અને પેટીએમમાંથી 50 હજાર મળીને 85 હજાર પડાવી લીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન આજે નીતીન શાંતકુમાર ચુંગ (ઉ.વ.૨૬ ધંધો-વેપાર રહે.૨-બી, રત્નજ્યોતી એપાર્ટમેન્ટ, ફલેરેન્ડ બિલ્ડીંગ પાસે, વી.આઇ.પી રોડ, વેસુ તતા મુળ હરીયાણા), દિપક શાંતકુમાર ચુંગ (ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે.૨-બી, રત્નજ્યોતી એપાર્ટમેન્ટ, ફલેરેન્ડ બિલ્ડીંગ પાસે, વી.આઇ.પી રોડ, વેસુ તથા મુળ સોનીપત, હરીયાણા)ની ધરકપકડ કરી હતી.