સુરત: હજુ તો ઉનાળો (Summer) ચાલી રહ્યો છે અને સુરત (Surat) શહેરમાં ચોમાસામાં જોવા મળે એવી ઘટનાઓ બની રહી છે જે આશ્ચર્ય સર્જી રહી છે. થોડા દિવસો પહેલાં શહેરના વાતાવરણમાં (Weather) એકાએક પલટો આવ્યો હતો અને ચોમાસામાં (Monsoon) પડે એ રીતે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. હવે ફરી આકરી ગરમી પડી રહી છે. ત્યારે શહેરના વરાછા રોડ પર ચોમાસામાં જોવા મળે એવી ઘટના બની છે.
અહીંના માનગઢ ચોક પાસે આજે સવારે રોડ પર ભુવો પડ્યો હતો. સુરત શહેરમાં સત્તાવાર ચોમાસાને હજી બે – અઢી મહિનાની વાર છે ત્યારે અત્યારથી જ શહેરમાં ભુવાઓ પડતાં નાગરિકોમાં કૌતુહલ સર્જાવા પામ્યું છે. વરાછાના માનગઢ ચોકમાં પડેલા ભુવાને કારણે ગંભીર અકસ્માતની ભીતિ સર્જાવા પામી છે. જેને પગલે મનપા દ્વારા હાલ આ સ્થળે બેરિકેડ મુકીને અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જો કે, મનપાના કોન્ટ્રાકટરોની લાપરવાહીને પગલે આ પ્રકારની ઘટનાઓ સર્જાવા પામી હોવાની ચર્ચા ઉઠવા પામી છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વરાછા મેઈન રોડ પર ટ્રાફિકથી ધમધમતાં ખોડિયાર નગર પાસે ભુવો પડતાં તર્ક – વિતર્ક શરૂ થઈ ગયા છે. મેઈન રોડ પર આવેલ ડિવાઈડરની પાસે ભુવો પડતાં ગંભીર અકસ્માતની આશંકાને પગલે વહીવટી તંત્ર દ્વારા આ સ્થળે હાલ બેરિકેડ મુકી દેવામાં આવ્યા છે.
જો કે, આ અંગે વહીવટી તંત્રે જણાવ્યું હતું કે, જે સ્થળે ભુવો પડ્યો છે તેની પાસેથી જ પાણીની લાઈન પસાર થઈ રહી હોવાને કારણે ભુવો પડ્યો હોવાની પ્રાથમિક આશંકા છે. અલબત્ત, હવે વહીવટી તંત્રે હાઈડ્રોલિક વિભાગ સાથે સંકલન કરીને ભુવા પડવાનું કારણ શોધવાની સાથે રિપેરિંગની કવાયત હાથ ધરી છે.