વ્યારા: (Vyara) વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ખખડિયા ફળિયામાં નટુભાઇ ખરબાભાઇ ગામીતે પોતાની પત્ની, દીકરો (Son) અને વહુને હાથ-લાત અને વાંસના ડંડા વડે માર માર્યો (Beaten up) હતો, જેમાં દીકરો અયુબ નટુ ગામીત અને વહુ લુધીયાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. પરિવાર સભ્યોને લોહીલુહાણ કરી દેતાં પિતા વિરુદ્ધ પુત્રએ પોતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ૧૦૮ એમ્બુલન્સમાં તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાં હતાં. દીકરાની પત્નીની હાલત ગંભીર હોવાથી તેને સુરત રિફર કરવામાં આવી હતી.
- વ્યારાના કરંજવેલમાં માતાને મારથી બચાવવા જતાં દીકરા અને વહુને પિતાએ ફટકાર્યા
- વહુની હાલત ગંભીર, સુરતની હોસ્પિટલમાં રિફર કરાઈ
વ્યારાના કરંજવેલ ગામે ખખડિયા ફળિયામાં રહેતા અયુબ નટુ ગામીત (ઉં.વ.૨૭) ગઈ કાલ તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ સવારે આઠેક વાગેના અરસામાં વ્યારા એમ.બી.પાર્ક સોસાયટીમાં સેન્ટિંગ કામની મજૂરી અર્થે ગયા હતા. સાંજે સાતેક વાગે પરત ઘરે આવ્યા ત્યારે તેના પિતા નટુભાઇ ખરબાભાઇ ગામીતે તેની માતા વિનતાબેનને ગાળો આપી ઝઘડો કરતા હોવાથી દીકરા અયુબે પિતા નટુભાઇને સમજાવ્યા હતા. ત્યારબાદ બધા જમી પરવારીને રૂમમાં સૂવા જતા રહ્યા હતા.
આશરે સાડા નવેક વાગે ફરી તેના પિતા નટુભાઇએ માતા વનિતાબેનને ગાળો બોલી ઝઘડો કરતા હોવાથી તેનો દીકરો અયુબ અને વહુ લુધીયાબેન પિતા નટુભાઇને સમજાવવા જતાં માતાને તેનાં પિતા હાથ તથા લાત વડે મારતા હોય અયુબ મમ્મીને કેમ મારો છો? કહી પિતાને સમજાવતો હતો, ત્યારે પિતા અચાનક ઘરમાંથી બહાર જઇ વાંસનો ડંડો લઇ આવી દીકરાના માથામાં સપાટો મારી દેતાં લોહી નીકળવા લાગ્યું હતું. તેની પત્ની લુધીયાબેનને પણ પિતાએ વાંસના ડંડા વડે માથામાં સપાટો મારી દેતાં તેને પણ લોહી નીકળવા લાગ્યું હતું. પિતા જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાથી પુત્ર બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા.
તાપી જિલ્લામાં ૨૪ કલાકમાં ચોરીના બે બનાવ નોંધાયા
વ્યારા: તાપી જિલ્લામાં ૨૪ કલાકમાં ચોરીના બે બનાવો નોંધાયા છે. કુકરમુંડા બસ સ્ટેશનમાંથી સબ મર્સિબલ 1 HPનો પંપ ચોરાયો હતો. જ્યારે વાલોડમાં કારમાંથી મોબાઇલ ફોનની ચોરી થઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
વાલોડના જામણીયા ગામે જામણીયા ચોકડી પાસે તા.૧૩/૦૩/૨૦૨૩ના રોજ કોઈ ચોર ઇસમે મારુતિ સુઝુકી ઇકો ફોર વ્હીલ ગાડી નં.(જીજે ૧૫ સીએચ ૬૯૭૩)ના ડેસ્ક ઉપર મૂકેલો મોબાઇલ આશરે કિં.રૂ.૩૫,૦૦૦ની ચોરી કરી કોઈ ચોર ઇસમ નાસી ગયો હતો. જ્યારે ચોરીના અન્ય એક બનાવમાં કુકરમુંડા એસ.ટી.બસ સ્ટેન્ડથી તા.૧૩/૦૨/૨૦૨૩ના રોજ કોઇ ચોર ઇસમે સબ મર્સિબલ 1 HPનો પંપ આશરે કિંમત રૂ.૪૦૦૦ની મત્તાનો ઇલેક્ટ્રિક વાયર તથા પાઇપ કાપી નુકસાન કરી પંપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.