ગાંધીનગર: સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના મેટ્રો રેલ એલિવેટેડ તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો (Station) બનશે. શહેરમાં પ્રથમ ફેઝમાં 6.47 કિ.મી.નો રૂટ અંડરગ્રાઉન્ડ (Underground) બનશે. જે માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની (Tunnel Boring Machine) મદદથી ટનલ બનાવવામાં આવી રહી છે.
દરમિયાન ગુજરાત વિધાનસભામાં સોમવારે શહેરી વિકાસ વિભાગની રૂ. ૧૬,૧૭૧ કરોડની અંદાજપત્રીય જોગવાઈ પસાર કરાઈ હતી. શહેરી વિકાસ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા સિનિયર કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહયું હતું કે, ગુજરાતની પરિવહન સેવાઓમાં થઇ રહેલો અવિરત વિકાસ રાજ્યના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બની રહ્યો છે. એસ.ટી.બસ અને બી.આર.ટી.એસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા ઉપરાંત હવે મેટ્રો રેલ થકી સેવામાં વધારો થયો છે.
- સુરત મેટ્રોનો સમગ્ર પ્રોજેક્ટ માર્ચ-2025માં પૂર્ણ કરવા આયોજન છે: કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ
- સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ પ્રાયોરિટી રિચનું કામ ડિસેમ્બર-2024 સુધીમાં પૂર્ણ કરી દેવાશે
અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ મેટ્રો રૂટને હાલમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મેટ્રોનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં પૂરો કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે કહયું હતું કે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રાયોરિટી રિચનું કામ પણ ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે, જ્યારે સમગ્ર પ્રોજેકટ માર્ચ-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું સરકારનું આયોજન છે. મેટ્રો રેલનું કામ સત્વરે પૂર્ણ કરવા આ વર્ષના બજેટમાં પ્રોજેક્ટ માટે રૂ. ૯૭૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
શહેરી વિસ્તારના લોકોનું જીવનધોરણ સુધારવા અને માળખાકીય સુવિધાઓ સાથે નવી સેવાઓનો વ્યાપ વધારવા માટે બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ. ૧૬,૧૭૧ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
ચોકબજાર અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બનાવવા ટીબીએમના પાર્ટસ ઉતારાયા
હાલ ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી (1.2 કિ.મી) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજુ ટીબીએમ મશીન પણ ઉતારી દેવાયું છે. તેમજ હવે જે.કુમાર ઈન્ફ્રા દ્વારા ચોકબજાર ખાતે ટીબીએમ મશીનના પાર્ટસ ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
- ચોકબજાર અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બનાવવા ટીબીએમના પાર્ટસ ઉતારાયા
- ઈજારદાર દ્વારા એપ્રિલ માસમાં રિંગ બિલ્ડીંગ અને મે મહિનામાં ટનલ ખોદકામ શરૂ કરાશે
ગુલેમાર્ક કંપની દ્વારા કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધીની ટનલ બનાવાશે. જેમાં પ્રથમ તબક્કામાં કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધીની ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. જે માટે હવે બંને ટીબીએમ સ્થળ પર કાર્યરત કરી દેવાયા છે. તેમજ જે.કુમાર ઈન્ફ્રા દ્વારા ચોકબજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલ માટે ટનલ બોરીંગ મશીનના પાર્ટસ ઉતારવાની શરૂઆત કરાઈ છે.
આ ટીબીએમ મશીન દ્વારા રીંગ બિલ્ડીંગની કામગીરી એપ્રિલ માસમાં શરૂ થશે અને મે માસ સુધીમાં ટનલ ખોદાણની કામગીરી શરૂ કરી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે. શરૂઆતમાં ટીબીએમની અંતર કાપવાની ગતિ ધીમી હોય છે. પરંતુ ધીરે ધીરે મશીન દ્વારા ઝડપથી કામ કરવામાં આવતું હોય છે. જે. કુમાર દ્વારા ચોકબજાર, મસ્કતિ અને સુરત રેલવે સ્ટેશન એમ ત્રણ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન માટે ટનલ બનાવવાની કામગીરી કરાશે.