કહેવાય છે ને કે તહેવારો જીવનમાં રંગો ભરે છે. ત્યારે હાલમાં જ આપણે રંગોના તહેવાર ધૂળેટીની મન ભરીને ઉજવણી કરી અને જાણે બધા જ રંગોને પોતાની જિંદગીમાં વણી લીધા. હોળીના બીજા દિવસે ઉજવાતા તહેવાર ‘ધૂળેટી’ ના દિવસે આબાલ વૃધ્ધ સૌ કોઈ રંગે રંગાય જ છે, જે પૈકી વડીલો તો શુકનનો ટીકો કરીને જ સંતોષ માનતા હોય છે પણ બાળકો અને યુવાનોને તો આ દિવસે જાણે એકબીજાને રંગવાનું અને રંગાઇ જવાનું લાઇસન્સ જ મળી જાય છે. તો રંગમાં તરબોળ થવાનો આવો મોકો ભાગ્યે જ કોઈ છોડે. ઘણાં લોકોએ સદા કલરથી મજા માણી તો વળી કેટલાક ટીખળીઓએ તો એવા એવા કલરથી લોકોને રંગ્યા કે તેઓએ કલરથી પીછો છોડાવવા માટે અવનવાં નુસખાઓ અપનાવવા પડ્યા હતા, જ્યારે કેટલાકે તો લોકોને કલરફૂલ મોં બતાવવું ભારે પડ્યું હતું. તો રંગોની મજા માણીને તેનાથી છૂટકારો પામવા સુરતીઓએ કેવા કેવા નુસખાઓ અપનાવ્યા, આવો જાણીએ તેમની કલરફૂલ વાતોથી…
ઘર સાફ કરવા માટે સાબુ ઘસવો પડ્યો: ઈલા પટેલ
ઇલા પટેલ કહે છે કે, “આમ તો અમે બહાર જ હોળી રમીએ છીએ જેથી ઘર ગંદુ ન થાય, પણ આ વર્ષે અચાનક જ મારી ફ્રેન્ડ આવી પહોંચી અને સીધા ઘરમાં આવીને મને કલર જ લગાડી દીધો. આ મારી બાળપણની મિત્ર હતી અને અમે નાના હતા ત્યારથી સાથે જ હોળીની મજા માણતા હતા. જો કે લગ્ન બાદ એ બહારગામ જતી રહી હોવાથી અમારું મળવાનું ઓછું થઈ ગયું હતું એટલે હોળીમાં તો અમે ક્યારેય મળ્યા જ ન હતા. આ વર્ષે અચાનક જ એ રંગ લઈને આવી પહોંચી અને કહી જ દીધું કે ઘણા વર્ષે તને રંગવાનો મોકો મળ્યો છે એટલે પાકો કલર લઈને જ આવી છુ. અમે એકબીજાની રંગીન જૂની યાદો વગોળી પણ પછી ઘરમાં જે પાકો કલર લાગ્યો હતો તે ફ્લોર ક્લિનરની મદદ વડે કાઢવાનો પ્રયાસ કર્યો પણ તેમ છતાં ડાઘ રહી જ ગયા. છેવટે મેં ડીટર્જન્ટ સાબુનો પ્રયોગ કરીને ડાઘ દૂર કર્યા.’’
મારે તો હેરકટ જ કરાવવા પડ્યા: આશિષ પટેલ
આશિષ પટેલ કહે છે કે, ‘’દર વર્ષે અમે બધા મિત્રો ભેગા મળીને હોળી રમીએ છીએ. રજા હોય એટલે આખો દિવસ કલરફૂલ કપડામાં બસ મસ્તી જ કરવાનો ક્રમ હોય. દર વર્ષે એટલા બધા રંગાયા હોઈએ કે પૂરો કલર નીકળતા સહેજે 2-3 દિવસ તો થઈ જ જાય અને જ્યાં સુધી શરીર પર કલર દેખાય ત્યાં સુધી ધૂળેટીની મસ્તી યાદ આવે જ. જો કે આ વખતે પણ અમે ખૂબ જ રમ્યા પણ મારા કોઈ ટીખળી મિત્રએ કોઈક એવો કલર લગાડી દીધો હતો જે મારા વાળમાંથી નીકળવાનું નામ જ ન હતો લઈ રહ્યો. મારા થોડા વાળ એકબીજા સાથે ચીપકી ગયા હતા જે કેમેય કરીને સરખા કરી શકાતા ન હતા એટલે આખરી ઉપાય તરીકે મારે મારા થોડાં હેર કટ કરાવી નાંખવા પડ્યાં. જો કે આવતાં વર્ષે હું થોડું ધ્યાન રાખીશ પણ હોળી તો રમીશ જ. ‘’
નવી સાડી ડ્રાઈક્લિનમાં આપવી પડી : નીકિતા પટેલ
‘નીકિતા પટેલ કહે છે કે,’હું હોળીની પુજા માટે મારી નવી સાડી પહેરીને જઈ રહી હતી. મને એમ કે આજે તો કોઈ કલર નહીં લગાડે, પણ આજુબાજુના કોઈ બિલ્ડિંગની ગેલેરીમાથી કોઈ બાળકે કલર ભરેલો ફુગ્ગો મારા પર ફેંક્યો. રંગોનો તહેવાર હોય એટલે બાળકો આવું કરતાં જ હોય છે એટલે કોઈને કશું કહી પણ ન શકાય, પણ મારી સાડી લાઇટ કલરની હોવાથી તેમાં કલરના ડાઘ સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતા. આ સાડી સાથે મારી ફિલિંગ્સ જોડાયેલી હોવાથી હું તેને ગુમાવવા માંગતી ન હતી તેથી તેને ડ્રાયક્લીન કરાવવા માટે આપી દીધી.’’