ગાંધીનગર : મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્રભાઈ પટેલના (Bhupendra Patel) હસ્તે ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે’ની ઉજવણી નિમિત્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડના (Rupkumar Rathore) સંગીત અને સ્વર દ્વારા નિર્મિત ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને ઉજાગર કરતી ‘વસુધૈવ કુટુંમ્બકમ’ની થીમ આધારિત ફિલ્મનું રૂપકુમાર રાઠોડની ઉપસ્થિતિમાં આજે લોન્ચીંગ કરાયું હતું. મુખ્યમંત્રી પટેલે ગુજરાતની ચારેય રામસર સાઇટ્સ અને કચ્છનાં છારીઢંઢ જેવા વિસ્તારમાં મહેમાન બનતા પક્ષીઓ અને ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને એક નાનકડી સંગીતમય ફિલ્મમાં દર્શાવ્યા છે. દર વર્ષે ગુજરાતના મહેમાન બનતા લાખો યાયાવર પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અમારી સરકાર કટિબદ્ધ છે.
ફિલ્મ પક્ષીવિદો અને પ્રવાસી નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે
કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આવતા પક્ષીઓ કે જે રાજ્યના છારીઢંઢ, થોળ, નળ સરોવર, કચ્છનું નાનું રણ, વઢવાણા જેવા વેટલેન્ડસ સ્થળોએ જોવા મળે છે. તે તમામ આ ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે, જે પક્ષીવિદો અને નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષીઓ તેમનાં અસ્તિત્વનાં સમયથી આ ધરતીનાં દરેક ખૂણાઓને પ્રવાસી બનીને ધરતી, આકાશ અને જળ વિસ્તારને પોતાનું ઘર માને છે. ઉપનિષદોમાં લખાયેલ “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવનાને આ પક્ષીઓ જ સાર્થક કરે છે. ધરતીનાં દરેક ખૂણેથી પંખીઓ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ઉપયોગ કરીને ભારત આવે છે.
નોંધનીય છે કે, ભારત આ વર્ષે G -20ના અધ્યક્ષપદે છે ત્યારે G-20ના કુલ 20 દેશમાંથી દર વર્ષે 18 જેટલા દેશોના 300 જેટલી પ્રજાતિનાં પક્ષીઓ ગુજરાતનાં વૅટલન્ડના મહેમાન બને છે .