Gujarat

CM ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે: જાપાનના ઉદ્યોગોને ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા આપ્યું આમંત્રણ

ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જાપાન (Japan) પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશન સોમવારે સવારે બુલેટ ટ્રેન મારફતે યોકોહામા પહોંચ્યું હતું અને પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લઈ જાપાનની ટ્રેડિશનલ ટી-ચ્હાનો પણ આસ્વાદ માણ્યો હતો અને શેન્કેઈન ગાર્ડનનું સૌંદર્ય નિહાળ્યું હતું.

મુખ્યમંત્રી પટેલે ટોકિયોના ગવર્નર કોઈકે યુરિકો સાથે બેઠક યોજી હતી અને પીએમ મોદીના દિશાદર્શનમાં ગુજરાતના શહેરોના આધુનિક ટેકનોલોજીયુક્ત સ્માર્ટ ડેવલપમેન્ટની ભૂમિકા આપી હતી. અમદાવાદ વેલ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતમાં મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક હબ બની રહ્યું છે, તેની માહિતી આપી હતી. સાથે જ જાપાન-ભારત અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને પરિણામે ગુજરાતમાં 350થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે, તેની પણ વિગતો આપી હતી.

પટેલે એમ પણ જણાવ્યું કે, જાપાન અને ગુજરાત સ્માર્ટ સિટીઝ અને સસ્ટેઈનેબલ અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં પરસ્પર સહયોગનો સેતુ વધુ સુદ્રઢ કરી શકે તેમ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થઈ આ ક્ષેત્રે આગળ વધી શકાય એવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ટોકિયો ગવર્નર કોઈકે યુરિકોને આગામી વાઈબ્રન્ટ સમિટમાં જોડાવાનું પ્રત્યક્ષ આમંત્રણ પાઠવ્યું હતું. તેમજ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ શાલ ઓઢાડી તેમનું સન્માન પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના પ્રેસિડન્ટ સુસુમુ કટાઓકા સાથે ફળદાયી બેઠક યોજી હતી. જેટ્રોએ જાપાન અને વૈશ્વિક વેપાર સમુદાય વચ્ચે આર્થિક ભાગીદારી અને સહયોગ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ જેટ્રો લાંબા સમયથી સહયોગી રહ્યું છે. તેની આ બેઠકમાં વિશદ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. પટેલે જાપાની ઉદ્યોગ કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા અને સહાયરૂપ થવા જેટ્રોએ અમદાવાદમાં બિઝનેસ સપોર્ટ સેન્ટર શરૂ કર્યું છે તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, મેડિકલ ડિવાઇસીસ, જેવા સેક્ટર્સમાં અગ્રેસર બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં જેટ્રો સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બલ્ક ડ્રગ, મેડિકલ ડિવાઇસીસ, સીરામીક એન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં રોકાણો આકર્ષવામાં સહભાગી થઈ શકે તેમ છે એમ પણ પટેલે ઉમેર્યું હતું. જેટ્રોના પ્રેસિડેન્ટ અને પદાધિકારીઓએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્ની અંગે જાણવામાં ઉત્સુકતા દર્શાવી હતી અને જેટ્રો ગુજરાત સાથે સંબંધો વ્યાપક બનાવવા તત્પર હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જાપાન પ્રવાસના બીજા દિવસે વિવિધ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સ સાથે બેઠકોનો દૌર કર્યો હતો.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશનના ચેરમેન ટડાશી મેઈડા, ગવર્નર હયાશી નોબુમિત્સુ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Most Popular

To Top