Dakshin Gujarat

આતલિયા ગામના માજી સરપંચના પુત્રનું મર્ડર કરનાર યુવાનનું મર્ડર, ભાઈએ ભાઈના ખુનનો બદલો લીધો

બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના છાપર ગામનો યુવાન સાત માસ પહેલા ગુમ થઈ જતા તેની માતાએ પોલીસમાં (Police) પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે યુવાનનું મર્ડર થયાનું પોલીસ તપાસમાં બહાર આવતા આ ગુનામાં સંડોવેલા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે મર્ડર માટે રૂ. પાંચ કરોડની સોપારી આપનાર બીલીમોરા નજીકના આતલીયા ગામના માજી મહિલા સરપંચનો પુત્ર કલ્પેશ છગનભાઈ પટેલ તેમજ અન્ય એકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

  • આતલિયા ગામના માજી સરપંચના પુત્રના મર્ડરમાં સંડોવાયેલા યુવાનનું પણ મર્ડર કરી દેવામાં આવ્યું
  • પાંચ કરોડની સોપારી આપનાર માજી સરપંચના બીજા પુત્ર એ ભાઈના ખુનનો બદલો લીધો
  • સિકંદરને રૂપિયાની જરૂરત હોય કલ્પેશ પટેલની વાતોમાં આવી જઈને આ મર્ડરને તેણે તેના મિત્રો સાથે અંજામ આપી દીધો

ગઈ ૭ માર્ચ ૨૦૨૧ એ બીલીમોરા ગોહરબાગમાં આતલિયા ગામના માજી મહિલા સરપંચ લલીતાબેન છગનભાઈ પટેલ ના પુત્ર નિમુ ઉર્ફે નિમેશ છગનભાઈ પટેલનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું. પોલીસે તે ગુનામાં સંડોવાયેલા ૧૧ થી વધારે આરોપીઓની ધરપકડ કરી હતી. જે પૈકી ભૌતિક ઉર્ફે ભાઉ ગણપતભાઈ પટેલ(ઉ.૨૯) રહે છાપર, બીલીમોરા હાલમાં જ પેરોલ ઉપર બહાર આવ્યો હતો. જોકે નિમુ ઉર્ફે નિમેષની હત્યાથી તેનો ભાઈ કલ્પેશ છગનભાઈ પટેલે તેના ભાઈના મર્ડર માં સંડોવેલા ભૌતિકની ગેમ કરવાનું નક્કી કરી લેતા આ સમગ્ર કાંડને કલ્પેશ પટેલે અંજામ આપ્યો હતો. ખૂબ જ ચાલાકી થી આ સમગ્ર કાવતરું કરનાર કલ્પેશ પટેલે મરણ જનાર ભૌતિક પટેલનો મિત્ર હર્ષ ઉર્ફે સિકંદર લક્ષ્મણભાઈ ટંડેલ રહે અમલસાડ સાથે તેનો અન્ય મિત્ર આદર્શ ચંદ્રકાંત પટેલ રહે. માછીયાવાસણ નેજ ભૌતિકની રૂ. પાંચ કરોડમાં સોપારી આપી હતી. જેમાં કલ્પેશએ થોડા થોડા કરી ને ૯ લાખ ચૂકવી પણ દીધા હતા, જે સરખા ભાગે આરોપીઓએ વહેચી પણ લીધા હતા. જોકે મરનાર ભૌતિક ઉર્ફે ભાઉ, હર્ષ ઉર્ફે સિકંદર અને આદર્શ પટેલ જુના મિત્રો હતા પણ ભૌતિક અને સિકંદરના સંબંધોમાં થોડીક કડવાશ આવતા અને ભૌતિક સિકંદર ઉપર હાવી થવા સાથે સિકંદરને રૂપિયાની પણ જરૂરત હોય કલ્પેશ પટેલની વાતોમાં આવી જઈને આ મર્ડરને તેણે તેના મિત્રો સાથે અંજામ આપી દીધો હતો.

ગઈ તારીખ ૬/૪/૨૦૨૩ ના દીને સિકંદરે ભૌતિકને ગણદેવી ચાર રસ્તે આવેલ દેવકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૩૦૫ માં બોલાવેલો અને જ્યારે કોઈ મિત્રજ બોલાવતો હોય તો શું વાંધો હોય તેથી ભૌતિક તે સ્થળે જતા ત્યાં હાજર સિકંદર ટંડેલ અને આદર્શ પટેલે ભૌતિકને વાતોમાં નાખી ચપ્પુ અને તલવારથી રેહસી નાખ્યો હતો. ફ્લેટની અંદર કોઈ આવી ન ચડે તે માટે દરવાજા બહાર મનીષ ઉર્ફ ગુડ્ડુ રંગનાથ પાઠક પહેરો ભરતો હતો. ત્રણેય જણાઓએ ભૌતિકની લાશ ને ૭/૪/૨૦૨૩ મળસ્કે ઇકો કારમાં અમલસાડથી બીલીમોરા જતા રેલવે ટ્રેકની બાજુમાં ભૂતબાપા તથા મસાણી મેલડી માતાના મંદિર સામેની સરકારી અવાવરું પડતર જગ્યામાં સતિષ પટેલ અને ગિરીશ પાઠક કે જેઓએ પહેલેથી જ જમીનમાં ખાડો ખોદી રાખ્યો હતો ત્યાં લઈ જઈને તેને દફનાવી દીધો હતો. આ ગુનાના કામમાં મીગ્નેશ કિશોર પટેલ અને વિશાલ અશોકભાઈ હળપતિ બંને રહે અમલસાડ લાશને દફનાવવામાં મદદગારીમાં જોડાયા હતા.

લાશને દફનાવ્યાં ના બે દિવસ બાદ તમામ આરોપીઓ ઘટના સ્થળે ગયા હતા જ્યાં ભૌતિક ના પગ બહાર દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને સંભવિત કોઈ પ્રાણીએ લાશને કબરમાંથી બહાર ખેંચવાની કોશિશ કરી હશે તેવુ વિચારી નજીકના પેટ્રોલ પંપ ઉપરથી રૂપિયા ૧ હજાર નું પેટ્રોલ અને લાકડા લાવી લાશના બહાર નીકળેલા પગને સળગાવીને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી.

ઉપરોક્ત માહિતી જિલ્લા પોલીસ વડા સુશીલકુમાર અગ્રવાલ એ સોમવારે તેમની કચેરી ખાતે યોજેલ પત્રકાર પરિષદમાં આપી હતી. જેમાં એલ.સી.બી પીઆઇ ડી.એસ.કોરાટ, પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી ગઢવી,એસવી આહીર સાથે ટેકનિકલ સેલના કર્મચારીઓ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના તમામ માધ્યમથી આ ગુનાને ઉકેલી નાખવા બદલ એલસીબી પોલીસ અને તેમની ટીમનીની જિલ્લા પોલીસ વડાએ પ્રશંસા કરી હતી.

પોલીસે આરોપીઓને સાથે રાખીને દફનાવેલી લાશને બહાર કાઢતા તેના અવશેષો મળી આવ્યા હતા. જેમાં ભૌતિકની અગાઉ થયેલી મારામારીમાં તેના હાથમાં થયેલ ફ્રેક્ચર બાદ તેને મુકેલ સ્ટીલની પ્લેટ તેની માતાએ ઓળખી બતાવી હતી. પોલીસે લાશના અવશેષો એફએસએલમાં મોકલી તેના ડીએનએ સહિતના પરીક્ષણો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ- (૧) હર્ષે ઉર્ફે સિકંદર લક્ષ્મણભાઈ ટંડેલ(૨) મનીષ ઉર્ફ ગુડ્ડુ રંગનાથ પાઠક(૩) સતીશ વિનોદભાઈ પટેલ(૪) ગિરીશ રંગનાથ પાઠક(૫) મીંગનેશ કિશોરભાઈ પટેલ(૬) વિશાલ અશોકભાઈ હળપતિ તમામ રહેવાસી અમલસાડ. તેમજ વોન્ટેડ આરોપીઓ- (૧) કલ્પેશ છગનભાઈ પટેલ રહે.આતલિયા, બીલીમોરા અને આદર્શ ચંદ્રકાંત ભાઈ પટેલ રહે.માછીયાવાસણ.

Most Popular

To Top