નવી દિલ્હી: દેશમાં સનાતન ધર્મ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું (UP CM Yogi Adityanath) મોટું નિવેદન સામે આવ્યું છે. યોગીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. અંગત સ્વાર્થને કોરાણે મુકીને સૌ ભારતવાસીઓ રાષ્ટ્રધર્મમાં જોડાઈએ તો આપણો દેશ સુરક્ષિત બનશે. યોગીએ કહ્યું, જ્યારે આપણાં ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવે છે તો તે ધાર્મિક સ્થળોનું પુન:નિર્માણ પણ થાય છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે. એક દિવ્ય અને ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે.
અયોધ્યામાં 500 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના (PM Modi) પ્રયાસોથી આજે ભવ્ય રામ મંદિરનું (Ayodhya Ram Mandir) નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે. આજે ભારતનું રાષ્ટ્રીય મંદિર ભગવાન રામના મંદિર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે હું ખૂબ ખુશ છું કે આગામી એક વર્ષમાં રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજશે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ભીનમાલમાં 1400 વર્ષ જૂના પ્રખ્યાત નીલકંઠ મહાદેવના પુનરુત્થાન અભિયાનના સમાપન સમારોહમાં કહ્યું હતું કે રાજસ્થાનની ભૂમિ ધર્મ અને કર્મની ભૂમિ છે. આ ભક્તિ અને શક્તિના સમન્વયનું કેન્દ્રબિંદુ છે. જો તમારે ધર્મનો અર્થ સમજવો હોય તો તમારે રાજસ્થાનની મુલાકાત લેવી જોઈએ. જ્યારે રાજસ્થાને દેશ અને વિશ્વમાં તેની બહાદુરી માટે એક નવી ઓળખ ઊભી કરી, ત્યારે ઋષિમુનિઓ અને યોગીઓએ આ ભૂમિને તેમની આધ્યાત્મિક સાધના તરીકે ભક્તિના કેન્દ્ર તરીકે પસંદ કરી.
યોગીના નિવેદનથી વિવાદ સર્જાયો, કોંગ્રેસે ટીકા કરી
સીએમ યોગીના નિવેદનનો વિરોધ કરતા કોંગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વીટ કર્યું કે સીએમ યોગીએ કહ્યું કે અમારો સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. એટલે શીખ, જૈન, બૌદ્ધ, નિરંકાર, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પૂરા થઈ ગયા . ઉદિત રાજે વધુમાં કહ્યું કે પહેલા સનાતન ધર્મમાં મહિલાઓ, દલિતો અને પછાત લોકોનું સ્થાન ક્યાં છે તે જણાવો, પછી આગળ વાત કરીએ. ઉદિત રાજે કહ્યું કે ગઈ કાલે તેમને બૌદ્ધ ધર્મના કેટલાક પરિચિત મિત્રોનો ફોન આવ્યો કે જો સનાતન ધર્મ રાષ્ટ્રીય ધર્મ છે તો અમારું શું થશે? સનાતન ધર્મના અસ્તિત્વને કોણ નકારી શકે? મેં વિચાર્યું કે યોગીજીને પૂછવું જોઈએ કે અન્ય ધર્મો છે કે નહીં, બસ. બૌદ્ધિક ચર્ચા થવી જોઈએ.