વલસાડ: વલસાડ (Valsad) અને અતુલ વચ્ચે વિરાર-સુરત લોકલ ટ્રેનમાંથી (Train) સાત મહિલાને રેલવે પોલીસે (Police) રૂ.42,500ના ઇંગ્લિશ દારૂ (Alcohol) સાથે ઝડપી પાડી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રેલવે પોલીસે બાતમીના આધારે વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે સુરત જઈ રહેલી વિરાર-સુરત શટલ ટ્રેનના ચોથા ડબ્બામાંથી નવસારી જલાલપોરમાં રહેતી રેખા રોહિત પટેલ, સુરત ભેસ્તાનમાં રહેતી માલતી રાજેશ ખલાસી, નવસારીમાં રહેતી વાસંતી લાલજી ટંડેલ, સુરતમાં રહેતી જશવંતી ગમન પટેલ, ફાતેમા બીબી મોહમ્મદ અહેમદ માંજરા, નવસારીમાં રહેતી મુમતાઝ મુસ્તાક ગરાસીયા અને ડુંગરીમાં રહેતી અનિલા નિરંજન પટેલ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગઈ હતી. પોલીસે તેઓની પાસેથી રૂ. 42,500ની ઇંગ્લિશ દારૂ બોટલ નં. 383 ઝડપી પાડી હતી. પોલીસે તેમની પાસેથી 5 મોબાઇલ જેની કિં.રૂ.16,000 મળીને કુલ રૂ. 58,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં 2 અલગ અલગ સ્થળેથી પિકઅપ ગાડીમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો
ભરૂચ: અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર જય પ્રભુ ફાર્મ હાઉસ સામે સી.એન.જી. પંપ પાસેથી જી.આઈ.ડી.સી. પોલીસે ડી.જી.જનરેટરની આડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ભરેલી મહિન્દ્રા પિકઅપ મળી કુલ 8.94 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, વાલિયા તરફથી મહિન્દ્રા પિકઅપ નં.(એમ.એચ.48 સી.બી.4539)માં ડી.જી. જનરેટરની આડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો લઇ ચાલક અંકલેશ્વરની વાલિયા ચોકડી આવી રહ્યો છે. બાતમીના આધારે જી.આઈ.ડી.સી. પોલીસે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર જય પ્રભુ ફાર્મ હાઉસ સામે સી.એન.જી. પંપ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી આવતાં પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં ડી.જી. જનરેટરની આડમાં સંતાડેલા વિદેશી દારૂની 5192 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.6.91 લાખનો દારૂ અને ફોન તેમજ 2 લાખની ગાડી મળી કુલ 8.94 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુંબઈના વરલીનાકા સ્થિત આનંદનગરમાં રહેતા નીતેશ મધુ મુદલિયારને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.