અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પહેલા તબક્કાનું મતદાન (Voting) પુરું થયું છે અને હવે રાજકીય પક્ષો બીજા તબક્કાના મતદાન માટે પ્રચારના કાર્યમાં જોર લગાવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ (Congress) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા એવો નિર્ણય જાહેર કરાયો છે કે જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે તો OBC માં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવાશે. તે ઉપરાંત સરકારમાં ત્રણ ઉપમુખ્યમંત્રીને પણ સ્થાન આપવામાં આવશે, જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી પસંદ કરવામાં આવશે. મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મિટીંગ બાદ આ નિર્ણય જાહેર કરાયા છે. આમ બીજા તબક્કાના મતદાન પહેલાં કોંગ્રેસ દ્વારા જાતિ-જ્ઞાતિનું કાર્ડ રમવાનો પ્રયાસ કરાયો છે.
પહેલાં તબક્કામાં ધીમું મતદાનને પગલે જ્યાં ભાજપની ચિંતા વધી છે તો બીજી તરફ કોંગ્રેસ ફોર્મમાં આવી ગઈ છે. શક્યતાઓને જોતા કોંગ્રેસે મોટી ચાલ રમી દીધી છે. બીજા તબક્કાના મતદાન પહેલાં જ્ઞાતિનો કાર્ડ કોંગ્રેસ રમ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ પાંસુ ફેંકી અલ્પસંખ્યકોને પોતાની તરફેણમાં ખેંચવા પ્રયાસ કર્યો છે. ઠાકોર સમાજ, એસસી, એસટી અને અલ્પસંખ્યક મતદારોને આકર્ષિત કરવા માટે આ સમાજમાંથી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પસંદ કરવાની જાહેરાત કરી છે.
પ્રથમ તબક્કામાં સરેરાશ 62 ટકા મતદાન થયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 89 બેઠકો પર તા. 1 ડિસેમ્બરના રોજ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 89 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ તથા આપ સહિત કુલ 788 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં સરેરાશ 56.75 ટકા મતદાન થયું. સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન નોંધાયું તો સૌરાષ્ટ્રના પોરબંદરમાં સૌથી ઓછું 53.84 ટકા મતદાન થયું. રાજકોટની આઠ બેઠકો પર સરેરાશ 57.68 ટકા મતદાન થયું. 2017 કરતા આ વખતે ઓછું મતદાન થયું છે. 2017માં સરેરાશ 69.01 ટકા મતદાન થયું હતું. જયારે 2022માં પ્રથમ તબક્કામાં 60થી 62 ટકા મતદાન થયું છે. ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરી સ્ટ્રોંગરૂમમાં મુકી દેવાયું છે અને હવે બંને તબક્કાનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ એક સાથે જાહેર કરાશે.