Columns

લોકશાહીનો તહેવાર પણ ખર્ચાળ અને પ્રદૂષિત

ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. નાગરિકો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. આ પ્રતિનિધિઓ નાગરિકોના ઉજવળ ભવિષ્ય માટે કાયદા ઘડે છે. આ કાયદાઓ દ્વારા અર્થતંત્ર, સમાજવ્યવસ્થા ચાલે છે. આખી જ લોકશાહી પ્રક્રિયાનો આધાર લોકોની સમજણ ઉપર રહેલો છે. જો લોકો સમજદારીપૂર્વક પોતાના પ્રતિનિધિ ચૂંટે અને પ્રતિનિધિઓ લાંબી વિચારણાના અંતે કાયદાઓ ઘડે તો જ આ લોકશાહી વ્યવસ્થા ખરા અર્થમાં લોકકલ્યાણને અનુસરે. અને જો આવું થાય તો જ મતદાન દ્વારા પ્રતિનિધિ પસંદગી દિવસ એ ઉત્સવ બને!

ભારતમાં સંસ્કૃતિ અને પરંપરા મુજબ કેટલાક તહેવારો આપણા જીવન સાથે જોડાયેલા છે. દિવાળી, હોળી, નવરાત્ર, ઉત્તરાયણ અને આપણી પરંપરાના તહેવાર છે અને પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ એ આધુનિક ભારતના, સ્વતંત્ર ભારતના ઉત્સવ છે. એવું જ મતદાન દિવસ – ચૂંટણીનું છે. પણ જે રીતે આપણી સમૃધ્ધ વૈચારિક પરંપરામાંથી ધીમે ધીમે વિચાર ઘસાતો જાય છે. વેપારધંધા હાવી થતા જાય છે. વિચારધારાને બદલે માત્ર દેખાદેખીથી થતો કર્મકાંડ વધતો જાય છે અને મોંઘવારીને કારણે આપણા ઉત્સવો પણ ખર્ચાળ અને આર્થિક બોજારૂપ બનતા જાય છે. તેવી જ રીતે લોકશાહીનું આ પર્વ ચૂંટણી પણ લોકશાહીની મૂળભૂત વિભાવના ગુમાવીને માત્ર કર્મકાંડ બનતું જાય છે.

મોંઘવારીએ આ ઉત્સવને પણ મોંઘો ખર્ચાળ અને બોજારૂપ બનતો જાય છે. આપણી ઉજવણીઓમાં ધૂમાડાથી માંડીને અવાજના પ્રદૂષણમાં જેમ વધારો થાય છે તેવી જ રીતે ચૂંટણી પણ પ્રામાણિક વાતાવરણમાં થવાના બદલે વૈચારિક પ્રદૂષણ વધવા લાગ્યું છે. દરેક ચૂંટણીમાં એવું થાય છે કે રાજકીય પક્ષો આનાથી વધારે તો નીચા નહીં જ જાય! પણ એવું થતું નથી! પ્રતિનિધિ લોકશાહીની મૂળભૂત વિભાવના અને વૈચારિક વિરોધાભાસની ચર્ચા આવનારા સમય માટેનું આયોજન કે સંભવિત કાયદાઓની ચર્ચા કયાંય થતી જ નથી! ભારતમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ તો હવે કાયદા ઘડતા જ નથી. અધિકારીઓ કાયદા ઘડે છે અને સત્તાપક્ષ બહુમતીમાં હોય તો ‘જેમનો તેમ’ પાસ કરે છે.

આમાં પ્રજા મત, સુધારા-વધારા, સૂચનો કશું જ થતું નથી. છેલ્લાં વર્ષોમાં ભારતમાં લાગુ થયેલા કોઇ કાયદા કે વ્યવસ્થાઓ ઘડતી વખતે લોકભાગીદારીનો વિચાર જ થયો નથી. આમ તો લોકશાહી છે જ શાંતિથી, ધીરજપૂર્વક તમામ પાસાંઓનો વિચાર કર્યા બાદ કાયદાઓ ઘડવા માટે, જયારે આજે તો સાંજે તુકકો આવે છે અને રાતે વાતનો રાષ્ટ્રિય સ્તરે અમલ થાય છે. વળી વિદ્વાનો, છાપાં – ચેનલો સૌ આ તત્કાળ લેવાયેલા નિર્ણયને જ યોગ્ય ‘નિર્ણયશકિત’ નો પુરાવો માને છે. જેની લોકશાહીમાં જરૂર જ નથી! લોકશાહીમાં વ્યકિતગત નિર્ણય છે જ નહીં, સામુહિક નિર્ણય જ છે! ઉતાવળે નિર્ણય છે જ નહીં, નિરાતે વિચારપૂર્વક નિર્ણય જ છે.

ગુજરાતમાં અત્યારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. લગભગ 52000 થી વધુ બુથ છે. જયાં ચાર લાખ પચાસ હજારથી વધારે કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે. આ તમામને ચૂંટણી તાલીમ, ભથ્થાં, જમણવાર, વાહનવ્યવહારનો  ખર્ચ થશે. વળી આ તો ચૂંટણીના દિવસનો ખર્ચ લગભગ બે મહિનાથી મામલતદાર કચેરી, કલેકટર કચેરી ચૂંટણીની વિવિધ તૈયારી કરે છે. તેનો ખર્ચ અલગ. ગુજરાતમાં 182 બેઠકો પર હજારથી વધારે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મુખ્ય રાજકીય પક્ષો તો અમર્યાદ ખર્ચ કરી રહ્યા છે. આ ખર્ચાળ ચૂંટણી આવનારા સમયમાં ભાવવધારામાં પરિણમશે! હાલ ચૂંટણીને કારણે દૂધ, પેટ્રોલ વગેરેના ભાવ સ્થિર છે. જે તરત વધવાના છે.

ચૂંટણી નાણાંકીય રીતે તો ખર્ચાળ છે જ પણ માનવકલાકોની રીતે પણ ખર્ચાળ છે. આધુનિક માહિતી પ્રસારણની ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પંચે આગેવાન રાજકીય પક્ષો સાથે મળીને મોટી સભા, સરઘસો, રોડ શો, જેવા ખર્ચાળ અને માત્ર શકિતપ્રદર્શન કરતા માનવકલાકો બગાડતા કાર્યક્રમો બંધ કરવા જોઇએ. ચૂંટણી પ્રચાર માત્ર ભવિષ્યની યોજનાઓ, આવનારા કાયદાઓ અને ગત વર્ષનાં કામનાં લેખાંજોખાંનો જ થવો જોઇએ! વ્યકિતગત આક્ષેપો, હાસ્યાસ્પદ જોડકણાં, સદંતર જૂઠાણાં અને ધર્મ, જ્ઞાતિ, જાતિના મુદ્દાઓ સદંતર બંધ થવા જોઇએ. આ વૈચારિક પ્રદૂષણ છે જે અટકવું જરૂરી છે. આજે આપણે જોઇએ છીએ કે રાજય વિધાનસભાની ચૂંટણી છે, પણ ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાની ખામીઓ – ખૂબીઓ વિષે ચર્ચા થતી નથી. આરોગ્ય સુવિધાઓ અંગે ભવિષ્યના પ્લાન અપાતા નથી. ટ્રાફિકના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવશો તેની વ્યૂહરચના કોઇ આપતું નથી. જી.એસ.ટી. ના આવ્યા પછી રાજયનાં આર્થિક સાધનો કેન્દ્ર આધારિત થઇ ગયાં છે.

રાજયમાં હાઇ વે પર ટોલટેક્ષના પ્રશ્નો છે. આટલો વિકાસ થયો હોવા છતાં પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં પાયાની સુવિધા જ પહોંચી નથી. તેની ચર્ચા થતી નથી. છેલ્લાં વર્ષોમાં સાયબર ક્રાઇમ, ડ્રગ્સ અને હત્યાઓ વધી છે જેની કોઇ જાહેર મંચ પર રિશ્તા કે ચર્ચા થઇ નથી. લોકશાહી લાંબા ગાળાનો વિશ્વાસ સર્જે છે, પણ ટૂંકા ગાળામાં કયારેક નિરાશા પણ આવે છે. ભારતમાં રાજકીય પક્ષો ‘ધર્મ’ શબ્દનો મનસુફી મુજબ અર્થ કરે છે. પણ આપણે ખરા ‘નાગરિક ધર્મ’ ને અનુસરીએ!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top