Sports

વરસાદના લીધે ત્રીજી મેચ પણ રદ, ભારત વન-ડે સિરીઝ 1-0થી હાર્યું

નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (Newzealand) વચ્ચે રમાયેલી ત્રીજી મેચ વરસાદના (Rain) લીધે રદ કરવામાં આવી છે. ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાયેલી આ મેચમાં ભારતે 219 રન બનાવ્યા હતા. 220 ના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલા ન્યુઝીલેન્ડના ઓપનર્સે ખુબ જ સારી રમત દેખાડી હતી. ન્યુઝીલેન્ડની પહેલી વિકેટ 97 રન પર પડી હતી. ન્યુઝીલેન્ડે 1 વિકેટ ગુમાવી 18 ઓવરમાં 104 રન બનાવ્યા ત્યારે વરસાદ પડવાના લીધે મેચ રોકવી પડી હતી. લાંબા સમય સુધી વરસાદ નહીં રોકાતા એમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રણ મેચની વન-ડે સિરિઝમાં બે મેચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી જ્યારે પહેલી વન ડે મેચ ન્યુઝીલેન્ડે 7 વિકેટે જીતી હતી. આ સાથે જ વન-ડે સિરિઝ 1-0થી ન્યુઝીલેન્ડે જીતી લીધી છે.

આ અગાઉ ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી બેટિંગ કરતા ભારતના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતાં. શ્રેયસ અય્યરના 49 અને વોશિંગ્ટન સુંદરના 51 રનની મદદથી ભારતની ટીમ 47.1 ઓવરમાં 219 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 219 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. ન્યુઝીલેન્ડના ઓપનર્સ સામે ભારતના બોલર્સ નિષ્ફળ સાબિત થયા હતા. યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ભારતીય ટીમને પહેલી સફળતા અપાવી હતી. ઉમરાને ફિન એલેનને 57ના સ્કોર પર આઉટ કર્યો. ત્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર 97 હતો.

માત્ર ઉમરાન મલિકને જ વિકેટ મળી
ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં સંપૂર્ણ રીતે આત્મસમર્પણ કરી દીધું હોય તેવું લાગી રહ્યું હતું. બેટિંગમાં નિષ્ફળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાના બોલર્સ પણ વિકેટ લઈ શક્યા ન હતા. ટીમ ઈન્ડિયાએ ચાર બોલરનો ઉપયોગ કર્યો હતો જેમાં માત્ર ઉમરાન મલિક જ સફળતા મેળવી શક્યો હતો. દીપક ચહર, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરને કોઈ સફળતા મળી નહોતી.

વોશિંગ્ટન સુંદર અને અય્યરને લાજ રાખી
વોશિંગ્ટન સુંદરની 51 રનની ઈનિંગે ટીમ ઈન્ડિયાને શરમમાં મુકાતી બચાવી હતી. ભારત માટે આ મેચમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત નિષ્ફળ સાબિત થયા હતા. ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં વોશિંગ્ટન સુંદરે 51 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. તેના પહેલા શ્રેયસ અય્યરે 49 રન બનાવીને ટીમ ઈન્ડિયાને સંભાળી હતી, આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન આનાથી મોટો સ્કોર બનાવી શક્યા નહોતા.

Most Popular

To Top